કોરોનાકાળમાં વિશ્વભરમાં 15 લાખ બાળકો થયા અનાથ, ભારતમાંથી પણ સામે આવ્યા ચોકાવનારા આંકડાઓ

કોરોના ( Corona ) રોગચાળાની શરૂઆત પછીના 14 મહિનામાં, 10 લાખથી વધુ બાળકોએ તેમના માતાપિતાને અથવા માતા પિતા બંનેમાંથી કોઈ એક ગુમાવ્યા છે.

  • Updated On - 5:26 pm, Wed, 21 July 21 Edited By: Bipin Prajapati
કોરોનાકાળમાં વિશ્વભરમાં 15 લાખ બાળકો થયા અનાથ, ભારતમાંથી પણ સામે આવ્યા ચોકાવનારા આંકડાઓ
કોરોનાથી વિશ્વભરમાં 15 લાખ બાળકો બન્યા અનાથ

કોરોનાને (Corona )કારણે સમગ્ર વિશ્વમાં જાનમાલને ભારે નુકસાન થયુ છે. કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. મહામારીના આ સમયગાળા દરમિયાન લાખો બાળકો પણ અનાથ (orphaned children) બન્યા છે. કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં વિશ્વભરના 15 લાખ બાળકોએ તેમના માતાપિતા અથવા તેમાંથી એકને ગુમાવ્યા હોવાની વિગત મીડિયામાં પ્રકાશિત થઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 15 લાખ અનાથ બનેલા બાળકોમાંથી 1.90 લાખ બાળકો ભારતના છે. જેમણે કોરોનાના કપરા સમયગાળા દરમિયાન તેમના માતા પિતા, કસ્ટોડિયલ દાદા-દાદી અથવા નાના નાનીને ગુમાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રોગચાળાની શરૂઆત પછીના 14 મહિનામાં, 10 લાખથી વધુ બાળકોએ તેમના માતાપિતાને અથવા માતા પિતા બંનેમાંથી કોઈ એક ગુમાવ્યા છે, જ્યારે બાકીના 50 હજાર લોકોએ આ રોગચાળાને લીધે તેમના જીવંત દાદા-દાદીને ગુમાવ્યા છે.

તજજ્ઞોના મત અનુસાર માર્ચ 2021 અને એપ્રિલ 2021 ની વચ્ચે ભારતમાં અનાથાલયોમાં બાળકોની સંખ્યામાં 8.5 ગણો વધારો થયો છે. આ સમયગાળામાં અનાથ બાળકોનીની સંખ્યા 5,091 થી વધીને 43,139 થઈ ગઈ છે. તજજ્ઞોનું માનવુ છે કે, જે બાળકોએ તેમના માતાપિતા અથવા સંભાળ રાખનારને ગુમાવ્યો છે તેમના આરોગ્ય અને સલામતી પર ટૂંકા અને લાંબા ગાળાની પ્રતિકૂળ અસર થવાનું જોખમ છે. તેઓએ માંદગી, શારીરિક શોષણ, જાતીય હિંસા અને કિશોરવયના અન્ય કુટેવનો ભોગ બની શકે છે.

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની કોવિડ 19 રિસ્પોન્સ ટીમના સભ્યે જણાવ્યું હતું કે, “આ સંશોધનથી બહાર આવ્યું છે કે 30 એપ્રિલ, 2021 સુધીમાં કોરોનામાં વિશ્વભરમાં 30 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જેના કારણે 15 લાખ બાળકો અનાથ બની ગયા છે.

ભારતમાં કોરોનાને લઈને અનાથ બનેલા બાળકોની સાર સંભાળ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેક પ્રકારની જાહેરાતો કરી છે. ગુજરાતમાં આવા અનાથ થયેલા બાળકોના પાલન પોષણ માટે સરકારે પ્રતિ મહિને રકમ આપવાનુ નક્કી કર્યું છે. તો વિનામૂલ્યે શિક્ષણ આપવાની પણ જોગવાઈ કરી છે. ગુજરાત સરકારે આ પ્રકારે અનાથ થયેલા બાળકો જ્યા સુધી 21 વર્ષના ના થાય ત્યા સુધી તેમને પ્રતિ મહિને પાલનપોષણ માટે રકમ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.