પત્ની 1 અને પતિ 15 ! હવે આવું કેવી રીતે શક્ય છે ? યુવકને ઇંગ્લેન્ડના વિઝા ભારે પડ્યા

હાલમાં છેતરપિંડીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, એક યુવક ઇંગ્લેન્ડ જવા માટે વિઝા બનાવવા પહોંચ્યો હતો પરંતુ તેના વિઝા બનાવવામાં ના આવ્યા અને એટલામાં જ તેને ખબર પડી કે તેની પત્નીના 15 પતિ છે.

પત્ની 1 અને પતિ 15 ! હવે આવું કેવી રીતે શક્ય છે ? યુવકને ઇંગ્લેન્ડના વિઝા ભારે પડ્યા
| Updated on: Sep 05, 2025 | 9:18 PM

પંજાબથી છેતરપિંડીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, એક યુવક ઇંગ્લેન્ડ જવા માટે વિઝા બનાવવા પહોંચ્યો હતો પરંતુ તેના વિઝા બનાવવામાં ન આવ્યા. જણાવી દઈએ કે, આ યુવકની પત્ની પહેલેથી જ ઇંગ્લેન્ડમાં હતી. વિઝા ન મળતા યુવક ચિંતામાં આવી ગયો અને એટલામાં જ તેને ખબર પડી કે તેની પત્નીના 15 પતિ છે.

ખરેખરમાં મહિલાના 15 પતિ હતા?

આ જાણીને યુવક ચોંકી ગયો અને આની પાછળનું જે સત્ય બહાર આવ્યું તે જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર જાણવા મળ્યું કે, ખરેખરમાં મહિલાના 15 પતિ નહોતા પરંતુ 15 યુવાનોને તેના આઈડી પ્રૂફથી ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ખાસ વાત તો એ છે કે, મહિલા પોતે આ વાતથી અજાણ હતી.

જણાવી દઈએ કે, આ ફ્રોડ એક દંપતી દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે કેસ નોંધીને દંપતી સામે આગળની તપાસ શરૂ કરી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડમાં રહેતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જો કે, તેનો આ સમગ્ર કેસ સાથે કોઈ સંબંધ જ નથી. મહિલાનો અસલી પતિ પંજાબના રાજપુરામાં રહે છે.

દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો

હકીકતમાં, એક ઇમિગ્રેશન કંપની ચલાવતા દંપતીએ પીડિત અને તેની પત્નીના દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો. આ દંપતીએ પીડિતાની પત્નીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને 15 યુવાનોને તેનો પતિ બતાવીને ઇંગ્લેન્ડ મોકલી દીધા. આ કૌભાંડ બહાર આવતા જ ઇંગ્લેન્ડમાં પીડિતાની પત્નીની ધરપકડ થઈ, કારણ કે તેના જ દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિતે રાજપુરા પોલીસ સ્ટેશનમાં આ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના આધારે તેમની સામે કેસ દાખલ થયો.

પત્નીએ સ્પોન્સરશિપ મોકલી

આલમપુરના રહેવાસી ભિંદર સિંહે જણાવ્યું કે, તેની પત્ની ઇંગ્લેન્ડમાં રહે છે. ભિંદર સિંહને તેના પુત્ર સાથે ઇંગ્લેન્ડ જવું પડ્યું હતું. ભિંદર સિંહની પત્નીએ સ્પોન્સરશિપ મોકલી હતી. ભિંદર સિંહે ઇંગ્લેન્ડ જવા માટે ઇમિગ્રેશન કંપની ચલાવતા દંપતી પાસે ફાઇલ દાખલ કરી. આરોપીએ તેની પાસેથી 5 લાખ 90 હજાર રૂપિયા વસૂલ્યા પરંતુ થોડા સમય પછી તેને ઇંગ્લેન્ડના વિઝા અપાવવાની ના પાડી દીધી.

યુવકની પત્નીની ઇંગ્લેન્ડમાં ધરપકડ થતાં ભિંદર સિંહ સ્તબ્ધ રહી ગયો. જો કે, બાદમાં તેને ખબર પડી કે તેના દસ્તાવેજોનો આરોપીઓએ દુરુપયોગ કર્યો હતો અને 15 યુવાનોને તેની પત્નીના પતિ બતાવી વિદેશ મોકલ્યા હતા.

તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ પ્રશાંત અને તેની પત્ની રૂબી તરીકે થઈ, જેઓ ઇમિગ્રેશન કંપની ચલાવતા હતા. હાલ પોલીસે બંને વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો