બજેટ (Budget) પ્રક્રિયાની શરૂઆત વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથેનું વર્તમાન નાણાકીય વર્ષ (Financial year) 2022-23 માટેના સંશોધિત અંદાજ અને 2023-24 માટે ભંડોળની જરૂરિયાત પર વિચાર-વિમર્શ સાથે શરૂ થશે. સોમવારે પહેલા દિવસે પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સુધારેલા અંદાજો પર બેઠક યોજાશે. વર્તમાન નાણાકીય વર્ષ માટેના સુધારેલા અંદાજો અને 2023-24 માટેના અંદાજપત્ર પરની મોટાભાગની બેઠકોની અધ્યક્ષતા નાણાં સચિવ અને ખર્ચ સચિવ દ્વારા કરવામાં આવશે.
નાણા મંત્રાલયના બજેટ વિભાગ મુજબ, એક મહિના લાંબી ચાલેલી આ ચર્ચા 10 નવેમ્બરના રોજ સહકાર મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રેલ્વે મંત્રાલય અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સાથે મળીને બેઠકો પૂરી કરવામાં આવશે. બજેટ-પૂર્વ બેઠકો પછી 2023-24 માટેના અંદાજપત્રને કામચલાઉ રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકો એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે ભારતીય રિઝર્વ બેંક અને વિશ્વ બેંક જેવી અનેક સંસ્થાઓએ ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડીને અનુક્રમે 7 ટકા અને 6.5 ટકા કરવામાં આવ્યો છે.
આ નરેન્દ્ર મોદી 2.0 સરકાર અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ પાંચમું બજેટ હશે. એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. ચૂંટણીના વર્ષમાં સરકાર મર્યાદિત સમયગાળા માટે વોટ ઓન એકાઉન્ટ ઓફર કરે છે. ત્યાર બાદ જુલાઈમાં બજેટ રજૂ થાય છે. નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થવાની સંભાવના છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ કોરોના સંકટ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ હતું. આ બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં ડિજિટલ એસેટ ટ્રાન્ઝેક્શન પર 30% ટેક્સ, કુલ રૂ. 39.45 લાખ કરોડનું બજેટ, RBI 2022-23 માં ડિજિટલ કરન્સી લાવશે, 68 ટકા સંરક્ષણ સાધનો દેશમાં બનાવાશે, ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી સ્વેપિંગ પોલિસી આવશે અને સ્ટાર્ટઅપ્સને 31 માર્ચ, 2023 સુધી ટેક્સ ઈન્સેંટિવ મળશે વગેરે બાબતોનો સમાવેશ થાય છે.