
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, તો બીજી તરફ જનતાને આકર્ષવા માટે વિવિધ વચનોની લહાણી કરવામાં આવી રહી છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે પોતાની જાહેરાતો કરી રહ્યા છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર બનાવ્યા પછી, એક નવો નિયમ બનાવવામાં આવશે. જે અતર્ગત બિહારના જે પરિવાર પાસે સરકારી નોકરી નથી, એવા દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આના માટે તેઓ બિહારમાં સરકાર બનાવ્યાના 20 દિવસની અંદર એક કાયદો બનાવશે અને 20 મહિનાની અંદર પોતાનું વચન પૂરું કરશે.
તેજસ્વીએ કહ્યું કે, વર્તમાન નીતિશ કુમારની સરકાર અમારી જાહેરાતોની નકલ કરી રહી છે. નોકરી વગરનું કોઈ ઘર બાકી નહીં રહે. અમે સરકાર બનાવ્યાના 20 મહિનાની અંદર નોકરીઓ પૂરી પાડવાનું કામ કરીશું. ભાજપે 20 વર્ષથી કોઈ નવી નોકરીઓ આપી નથી. અમે 20 દિવસમાં આના માટેનો કાયદો બનાવીશું.
તેજસ્વી યાદવે કહ્યું કે, 2020 માં, અમે જાહેરાત કરી હતી કે અમે સરકાર બનાવતાની સાથે જ 10 લાખ લોકોને નોકરીઓ આપીશું. વર્તમાન મુખ્યમંત્રીએ તે સમયે કહ્યું હતું કે, “શું આ શક્ય છે? પૈસા ક્યાંથી આવશે? શું તેઓ તેમના પિતા પાસેથી મેળવશે ?” સરકાર બનાવ્યાના બે વર્ષ પછી પણ, કોઈને સરકારી નોકરી કે નવો રોજગાર મળ્યો નથી. 20 વર્ષથી, સરકારે નોકરીઓ અને બેરોજગારી પર ચર્ચા પણ કરી નથી. તેજસ્વીએ કહ્યું કે આ અંતિમ જાહેરાત નથી. આના પછી પણ આવી જ લોકોને સ્પર્શતી જાહેરાતો કરવામાં આવશે.
તેજસ્વીએ કહ્યું કે બિહારમાં હવે પુષ્કળ પ્રમાણમાં નોકરીઓ હશે. સામાજિક ન્યાયની સાથે, બિહારમાં આર્થિક ન્યાય પણ હશે. આરજેડી જે કહે છે તે કરે છે. તેમણે કહ્યું કે બિહાર હવે બદનામ થશે નહીં.
આરજેડી અનેક વચનો આપવાનું ચાલુ રાખે છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ આરજેડી અનેક વચનો આપ્યા હતા. તેજસ્વીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં એનડીએએ લોકોને ફક્ત અસુરક્ષા અને બેરોજગારીનો ડર આપ્યો છે. હવે, આ ડર દૂર થશે. તેજસ્વીએ અગાઉ ખેડૂતો અને મહિલાઓ અંગે પણ ઘણી જાહેરાતો કરી છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં આ વચનો અને જાહેરાતો કેટલી અસરકારક રહેશે તે જોવાનું બાકી છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોની પેટા ચૂંટણીને લગતા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.