વિદેશ મંત્રી એસ જયશંકરના (S Jaishankar) નિવેદનની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. રશિયા (Russia) વિશેના તેમના નિવેદન અને યુક્રેન વિશેના તેમના સ્પષ્ટ અને તીખાં વલણ માટે દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહી છે. સોમવારે તેમને કહ્યું હતું કે ભારત હથિયારોના સપ્લાય માટે રશિયા પર નિર્ભર છે કારણ કે તેને પશ્ચિમી દેશો તરફથી આ સપ્લાય નથી મળી રહી. તેમને કહ્યું, પશ્ચિમી દેશો જોઈ રહ્યા છે કે આપણા પડોશમાં લશ્કરી સરમુખત્યારશાહી ધરાવતો દેશ છે, તેમ છતાં તેઓ તેને સાથી બનાવી રહ્યા છે.
સોમવારે યુક્રેન પર રશિયા હુમલા વિશે વાત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અને નાગરિકોના જીવ લેવા વિશ્વના કોઈપણ ભાગમાં સ્વીકાર્ય નથી. તેમને રશિયા-યુક્રેન સંઘર્ષમાં બંને પક્ષોએ કુટનીતિ અને સંવાદના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે “આ સંઘર્ષ કોઈને મદદ કરી રહ્યો નથી.” દરેક વ્યક્તિ તેના સ્પષ્ટ વલણના પ્રશંસા કરી રહ્યા છે.
આ પહેલા એસ જયશંકરે ઓગસ્ટમાં રશિયાથી તેલ આયાત કરવાના સવાલ પર જે કહ્યું હતું તેના પણ લોકો વખાણ કરી રહ્યા છે. તેમને કહ્યું હતું કે આપણા દેશમાં માથાદીઠ આવક 2 હજાર ડોલર છે. અહીં લોકો ઊંચા ભાવે તેલ ખરીદી શકતા નથી. તેમને કહ્યું હતું કે આપણા લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડે તે માટે વિશ્વની બેસ્ટ ડીલ આપવાની આપણી જવાબદારી છે.
પાકિસ્તાનને એફ 16 પેકેજ આપવાના અમેરિકાના નિર્ણય પર એસ જયશંકરે અમેરિકા પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે તમે આ પગલાથી કોઈને મૂર્ખ બનાવી શકતા નથી. આ પગલાથી ન તો પાકિસ્તાનને ફાયદો થશે કે ન તો અમેરિકાને. પરંતુ તેની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડી શકે છે. આ પછી અમેરિકા તરફથી સ્પષ્ટતા કરતા કહ્યું કે આ પેકેજ આતંકવાદ સામેની લડાઈમાં મદદ કરવા માટે આપવામાં આવ્યું છે.