વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે તેમની બે દિવસીય જાપાનની મુલાકાતે રવાના થયા છે. તે આ સમયગાળા દરમિયાન ક્વાડ ગ્રૂપની (Quad Alliance) બીજી સમિટમાં ભાગ લેશે. આ જૂથમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. આ પહેલા રવિવારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા દ્વારા આપવામાં આવેલા આમંત્રણ પર જાપાન જઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાપાન મુલાકાત અંગે માહિતી આપવામાં આવી છે કે તેઓ લગભગ 40 કલાક જાપાનમાં રહેશે. આ દરમિયાન તેઓ કુલ 23 કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહત્વપૂર્ણ બેઠકો કરશે. આ સાથે પીએમ મોદી જાપાનના લગભગ 35 અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ વાત કરશે. આ દરમિયાન જાપાની કંપનીઓના સીઈઓ અને પ્રમુખો પણ ત્યાં હાજર રહેશે.
આ પહેલા રવિવારે પીએમ મોદીએ તેમની જાપાન મુલાકાતને લઈને નિવેદન જાહેર કર્યું હતું. આ અંગે તેમણે કહ્યું હતું કે જાપાનમાં ક્વાડ નેતાઓની આ બીજી વન-ટુ-વન સમિટ હશે. આ સંવાદ દ્વારા જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને ક્વાડ જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરવાની સારી તક મળશે.
પીએમ મોદીના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પ્રથમ વખત ક્વાડ લીડર્સની આ સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથેની દ્વિપક્ષીય બેઠકને લઈને ઉત્સાહિત છું. તેમના મતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુપરિમાણીય સહયોગની સાથે વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
ચીને ક્વાડ કોન્ફરન્સને પણ નિશાન બનાવી છે. જ્યારે ક્વાડ લીડર્સનું કહેવું છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા અને વિકાસને આગળ વધારવા માટે આ જૂથની રચના કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના નેતાઓની બેઠક પહેલા અમેરિકા અને જાપાન પર નિશાન સાધ્યું હતું. ચીનના વિદેશ મંત્રીએ બંને દેશો પર બેઈજિંગ વિરુદ્ધ નકારાત્મક પગલાં લેવાનો આરોપ લગાવ્યો. અમેરિકાએ તાજેતરમાં કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની દેખરેખમાં તેમના વહીવટીતંત્રે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના ક્વાડ જૂથને નેતૃત્વ સ્તર પર લઈ ગયા છે.