પંજાબ(Punjab)માં સતત વધી રહેલી ગરમી વચ્ચે વીજળીની માંગમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજ કાપ(Power Cut) નો સામનો કરી રહ્યા છે. આ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે(Amarinder Singh)ગુરુવારે રાજ્ય સરકારની કચેરીઓનો કામકાજનો સમય ઘટાડવાનો આદેશ આપ્યો છે.
સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કચેરી કાર્યરત રહેશે
તેમણે તમામ સરકારી કચેરીઓમાં વીજળીનો યોગ્ય ઉપયોગ કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં વીજળીની મહત્તમ માંગ 14500 મેગાવોટ પર પહોંચી ગઈ હોવાથી સ્થિતિ ગંભીર છે. આ અંગે સત્તાવાર પ્રવક્તાએ બેઠક પછી કહ્યું કે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત સરકારી કચેરીઓમાં એસીના ઉપયોગ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ વીજળી વિભાગના આંદોલનકારી કર્મચારીઓની ફરિયાદોના નિરાકરણ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.
કર્મચારીઓની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી
આ સમિતિમાં અધિક મુખ્ય સચિવ(વિકાસ) સીએમડી-પીએસપીસીએલ અને વિશેષ સચિવ(નાણાં)નો સમાવેશ થાય છે. તેમણે કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેમની બધી જરૂરી માંગણીઓ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે કર્મચારીઓની અનેક માંગણીઓ જેવી કે કર્મચારી એન.પી.એસ. શેરમાં વધારો, જનરેશન પ્રોત્સાહનનું પુન: સ્થાપન વગેરે અગાઉથી સ્વીકારવામાં આવી છે. તેમજ રાજ્યના વિવિધ બોર્ડ / નિગમો દ્વારા છઠ્ઠા પગાર પંચના ધોરણનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે.
વીજ- કાપના કારણે ખેડુતોનું નુકસાન
મુખ્યમંત્રીએ કર્મચારીઓને રાજ્યના કૃષિ અને ઉદ્યોગ તેમજ સ્થાનિક ગ્રાહકોના હિતમાં પોતાનું આંદોલન પાછું ખેંચવા વિનંતી કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના રોગચાળા વચ્ચે લાંબા સમય સુધી વીજકાપને લીધે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વીજળી નહિ મળવાના કારણે ખેડુતોને ડાંગરના રોપામાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કૃષિ ક્ષેત્રને અવિરત વીજ પુરવઠા માટે પ્રાધાન્ય આપવું જોઈએ.
આ પણ વાંચો : Gujarat : શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, નવા સત્ર પહેલા ધો. 9-10-12ના વિદ્યાર્થીઓની યોજાશે નિદાન કસોટી