દિલ્હીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા લોકો, ડોકટરોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું થઈ શકે છે કોરોના ‘વિસ્ફોટ’

રાજધાની દિલ્હીમાં મે મહિનામાં હજારો લોકો ઓક્સિજન ન મળવાને કારણે મૃત્યુ પામ્યા હતા. લોકો પોતાના બિમાર સ્વજનો માટે સોશિયલ મીડિયામાં હોસ્પિટલ બેડની માંગણી કરતાં જોવા મળ્યા હતા.

  • Publish Date - 11:40 pm, Tue, 15 June 21 Edited By: Kunjan Shukal
દિલ્હીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા લોકો, ડોકટરોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું થઈ શકે છે કોરોના 'વિસ્ફોટ'

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં મંગળવારે હજારો મુસાફરો મેટ્રો રેલ્વે સ્ટેશન અને શોપિંગ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance)ના નિયમોને નેવે મૂકીને ઉમટી પડ્યા હતા. જેને લઈને કેટલાક ડોકટરોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આને લઈને કોરોના (Corona) ફરીથી માથું ઊંચકી શકે છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના રાજ્યોમાં કોરોનાના છેલ્લા બે મહિનાથી આંકડાઓમાં રાહત જણાતા લોકડાઉનના નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે.

 

પરંતુ જે રીતે જે અત્યારે ફરીથી ધંધા રોજગાર ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, તેને લઈને ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી કે નિયમોમાં છૂટછાટ એ રસીકરણના પ્રયત્નોને અસર કરી શકે છે. કારણ કે વેક્સિન માટે પાત્રતા ધરાવતા કુલ લોકોમાંથી માત્ર 5% લોકો ને જ રસી આપવામાં આવી છે. દિલ્હીના ડોકટરોનું કહેવું છે કે પૂર્ણ અનલોક હાલની સ્થિતિને અસર કરી શકે છે. ત્યારે તંત્રએ કહ્યું હતું કે જો કોરોના કેસમાં પાછો ઉછાળો જોવા મળશે તો ફરીથી કડક નિયંત્રો લગાડીશું.

 

રાજધાની દિલ્હીમાં મે મહિનામાં હજારો લોકો ઓક્સિજન ન મળવાને કારણે મૃત્યુ પામ્યા હતા. લોકો પોતાના બિમાર સ્વજનો માટે સોશિયલ મીડિયામાં હોસ્પિટલ બેડની માંગણી કરતાં જોવા મળ્યા હતા. એમ્બ્યુલન્સ ભાડે કરવા માટે લોકો 20 ગણા વધુ ભાડા ચૂકવતા હતા. જેમનામાં ઘણા દર્દીઓએ તો પાર્કિંગમાં જ મૃત્યુ પામ્યા હતા અને મૃત્યુ પામેલા દર્દીઓને સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે પણ લાંબી લાઈનો લાગી હતી.

 

નવી દિલ્હીના મેક્સ હેલ્થકેરના અંબરીશ મીઠાલે ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘અનલોક થતાં જ દિલ્હીના એક પ્રખ્યાત મોલમાં ગયા સપ્તાહમાં 19,000 લોકોએ મુલાકાત લીધી હતી. શું આ લોકો પાગલ થઈ ગયા છે? હવે કોરોનાની ત્રીજી લહેરની રાહ જુઓ અને સરકાર, હોસ્પિટલ, અને તંત્રને દોષ આપજો’ મંગળવારના દિવસની શરૂઆતના સમયમાં મેટ્રો રેલ્વે પર લાગેલી ભીડ અને લાંબી લાઈનોની અંગે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો જેને લઈને રેલ નેટવર્કે ચેતવણી આપતી ટ્વીટ પણ કરી હતી.

 

કડક નિયમો સાથેના દિલ્હીમાં પાંચ સપ્તાહના લોકડાઉન બાદ દિલ્હી તંત્રએ દુકાનો અને મોલ પૂર્ણરૂપથી ખુલ્લા રાખવાની છૂટ આપી છે. હોટલ-રેસ્ટોરન્ટોને પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સબ અર્બન રેલ પણ 50 ટકા ક્ષમતાની સાથે ચાલી શકશે. જો કે રસીકરણ પણ ધીમી ધારે ચાલી રહ્યું છે. શહેરના તંત્રએ જણાવ્યુ છે કે 18-44 વર્ષના લોકોમાં રસીકરણની કામગીરી મંગળવારથી બંધ થઈ જશે. કારણ કે રસીના ડોઝની કમી વર્તાઈ છે.

 

સર્જન અને પ્રખ્યાત લીવર ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત અરવિંદ સિંહ સોઈને ટ્વીટર પર કહ્યું છે, ‘ દિલ્હીને વધુ વૈજ્ઞાનિક ઢબે અનલોક કરવાની જરૂર હતી. આપણે મુસીબતને આમંત્રિત કરી રહ્યા છે. સ્વાસ્થય મંત્રાલય તરફથી મળેલા આંકડાઓ પ્રમાણે વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,471 નવા કોરોનાના કેસ આવ્યા છે. જે 31 માર્ચ પછીની સૌથી ઓછી સંખ્યા છે.

 

દેશનો કુલ કેસ લોડ 29.27 મિલિયન છે. જે અમેરિકા બાદ વિશ્વમાં બીજા ક્રમે છે. આંકડાઓ પરથી જાણકારી મળે છે કે ભારતમાં રાત સુધીમાં 2,726 નવ મૃત્યુના આંકડાઓ જોડાયા હતા, જેનો કુલ મૃત્યુ આંકડો 3,77,031 થયો હતો.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati