પાસપોર્ટને ખૂબ જ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. તીર્થયાત્રા, કૌટુંબિક મુલાકાત, શિક્ષણ, પર્યટન વગેરે માટે વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે પાસપોર્ટ ખૂબ જ મહત્વનો બની રહે છે. પાસપોર્ટ કરાવવા માટેની પ્રોસેસમાં પોલિસ વેરિફિકેશનની જરુર પડે છે, પણ જો પોલિસ વેરિફિકેશન નેગેટિવ મળે તો શું તમે ક્યારેય પાસપોર્ટ મેળવી ન શકો ? રાજસ્થાનની હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં આ સવાલોના જવાબ મળે છે.
ઘટના કઇક એવી છે કે એક અરજદારને 2012માં પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, જે 2022 સુધી માન્ય હતો. અરજદારના આક્ષેપ મુજબ સરકાર દ્વારા રિન્યુઅલ માટેની અરજીને કોઈ પણ વાજબી કારણ આપ્યા વિના નકારી કાઢવામાં આવી હતી.પોલીસ વેરિફિકેશન દરમિયાન અરજદારની ઓળખ વિવાદિત જણાવી પાસપોર્ટ રિન્યુ કરવામાં આવ્યો ન હતો.
આ કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ અનૂપ કુમાર ધંડની ખંડપીઠે જણાવ્યું હતું કે પાસપોર્ટ અથવા મુસાફરી દસ્તાવેજો આપવાનો નિર્ણય પાસપોર્ટ ઓથોરિટી દ્વારા જ લેવાનો હોય છે અને તેઓ માત્ર પ્રતિકૂળ પોલીસ રિપોર્ટને કારણે મનની મરજી કર્યા વિના પાસપોર્ટ આપવાનો ઇનકાર કરી શકતા નથી.
આ ઘટના પછી અરજદારે પાસપોર્ટ ન આપવા માટે યોગ્ય કારણ ન હોવાનું જણાવી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનની સુનાવણી દરમિયાન સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે પાસપોર્ટ ઑફિસે પોલીસ પાસેથી વેરિફિકેશન રિપોર્ટ માંગ્યો હતો અને અરજદારની રાષ્ટ્રીયતા વિશે શંકા હતી અને તેણી “નેપાળી” હોવાની શંકા હતી, તેવી ટિપ્પણી સાથે પ્રતિકૂળ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. પોલીસ વેરિફિકેશન દરમિયાન અરજદારની ઓળખ વિવાદિત હોવાથી પાસપોર્ટ રિન્યુ કરવામાં આવ્યો ન હતો.
જો કે બીજી તરફ સરકાર દ્વારા રજૂ કરાયેલી દલીલને નકારી કાઢતા, કોર્ટે અવલોકન કર્યું કે અરજદાર ભારતીય નાગરિક નથી તે દર્શાવવા માટે કોઈ સામગ્રી રેકોર્ડ પર મૂકવામાં આવી નથી. આ સાથે જ કોર્ટ દ્વારા કેટલાક તથ્યો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેનાથી પોલિસ વેરિફેકેશનમાં નિર્ણય ખોટો લેવાયો હોવાનું સાબિત થયુ હતુ.
કોર્ટમાં ધ્યાનમાં લેવામાં આવ્યુ હતુ કે અરજદારનો જન્મ ભારતમાં થયો હતો, યોગ્ય જન્મ પ્રમાણપત્ર સાથે. તેમના પતિ અને પિતા બંને પણ ભારતના કાયમી રહેવાસી હતા. તેણી પાસે તેણીનું આધાર કાર્ડ, મતદાર આઈડી અને સક્ષમ અધિકારીઓ દ્વારા જારી કરાયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હતું. વધુમાં, કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે જો તે ભારતીય નાગરિક ન હોત, તો તેને 2012 માં પાસપોર્ટ આપવામાં આવ્યો ન હતો
આ પૃથ્થકરણના આધારે, કોર્ટે ઠરાવ્યું હતું કે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ વાંધો ટકાઉ ન હતો અને પાસપોર્ટ રિન્યુ ન કરવાનું તેમનું કાર્ય ગેરવાજબી હતું.
કોર્ટે જણાવ્યું હતું કે પાસપોર્ટ એક્ટ, 1967ની કલમ 6 માં ઉલ્લેખિત આધારો પર જ પાસપોર્ટ નામંજૂર કરી શકાય છે અને જોગવાઈઓ સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે કે પાસપોર્ટ ઓથોરિટીને પાસપોર્ટ જારી કરતા પહેલા પોલીસ વેરિફિકેશન રિપોર્ટ મેળવવાની સત્તા આપવામાં આવી હતી, પરંતુ નિર્ણય પૂછપરછને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ ઓથોરિટી દ્વારા જ લેવાની હતી. જો કે, ઓથોરિટી રિપોર્ટથી બંધાયેલી ન હતી.
કોર્ટે જણાવ્યું હતું કે અરજદારની રાષ્ટ્રીયતા અંગે પ્રતિકૂળ પોલીસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તે આધાર દર્શાવવા માટે કોઈ સામગ્રી નથી.