સંસદમાં 19 સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવી શકે છે વિપક્ષ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Jul 27, 2022 | 8:46 AM

18 જુલાઈથી શરુ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ કોઈને કોઈ મુદ્દે હોબાળો મચાવી રહ્યુ છે. ચોમાસુ સત્ર શરૂ થયા બાદ મોંઘવારી અને જીએસટીના મુદ્દે ગૃહમાં હોબાળો યથાવત રહ્યો છે. જેના કારણે ગૃહની કાર્યવાહી વારંવાર ખોરવાઈ જાય છે. જેના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડે છે.

સંસદમાં 19 સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવી શકે છે વિપક્ષ
Parliament ( file photo)

સંસદના ચોમાસુ સત્રનો (Parliament, Monsoon Session ) આજે આઠમો દિવસ છે. આજે પણ વિપક્ષી સાંસદો લોકસભા (Lok Sabha ) અને રાજ્યસભામાં (Rajya Sabha) હંગામો મચાવી શકે છે. કોંગ્રેસ સાંસદ શક્તિ સિંહ ગોહિલે ED, CBI, IT જેવી એજન્સીઓના દુરુપયોગ માટે નિયમ 267 હેઠળ રાજ્યસભાનું કામકાજ સ્થગિત રાખવાની નોટિસ આપી છે. આ પહેલા સાતમા દિવસ સુધી સંસદના બંને ગૃહોમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સાંસદોએ દેશમાં વધતી જતી વ્યાપક મોંઘવારી અને જીએસટીમાં આવરી લીધેલ નવી ચીજવસ્તુઓને કારણે મુદ્દે સંસદના બન્ને ગૃહમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હોબાળો થઈ શકે છે

જો કે, આ સમયગાળા દરમિયાન રાજ્યસભામાં હંગામો કરવા બદલ TMC સહિત ઘણા વિરોધ પક્ષોના સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 19 સાંસદોને એક સપ્તાહ માટે સંસદની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના પર આજે સંસદમાં વિપક્ષનો ભારે હંગામો જોવા મળી શકે છે. સાંસદોને સસ્પેન્ડ કરવા પર વિપક્ષ આજે પણ ગૃહની કાર્યવાહી ખોરવી શકે છે. જ્યારે સરકાર વિપક્ષને ગૃહની કાર્યવાહી ચાલુ રાખવા દેવા માટે સતત અપીલ કરી રહી છે. આમ છતાં સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે.

સોમવારે કોંગ્રેસના ચાર સાંસદો પર કાર્યવાહી કરવામાં આવી હતી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, સંસદમાં સતત થઈ રહેલા હોબાળાને કારણે કોંગ્રેસના ચાર સભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. સોમવારે ગૃહની કાર્યવાહી દરમિયાન ચાર સભ્યો ગૃહની અંદર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને પ્લેકાર્ડ દર્શાવતા હતા. ત્યાર બાદ ચાર સાંસદોને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકરે વિપક્ષી સાંસદોને ગૃહમાં સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ ના લગાવવાની અપીલ કરી હતી.

ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થયું છે

સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થયું હતું. પરંતુ આઠ દિવસ બાદ પણ સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. વિપક્ષને અપીલ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે મોંઘવારી મુદ્દે ટૂંક સમયમાં સંસદમાં ચર્ચા કરવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે, કોવિડ-19થી પીડિત નાણામંત્રી સીતારમણ એક-બે દિવસમાં પાછા સસંદમાં આવશે, ત્યારબાદ સરકાર મોંઘવારી મુદ્દે ગૃહમાં ચર્ચા કરશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati