હવે નહીં ચાલે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓની મનમાની, નવા વર્ષે સરકાર લાવી શકે છે આ મોટા ફેરફાર- ખાસ વાંચો
જો તમે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી છે અને ઈન્સ્યોરન્સ કંપનીઓની મનમાનીથી તંગ આવી ગયા છો તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. નવા વર્ષે સરકાર આ વીમા કંપનીઓને તેના ચાલાકી ભરેલા અને ગ્રાહકો માટે સમસ્યા બનતા કેટલાક નિયમોમાં ફેરબદલ કરવાની ફરજ પાડી શકે છે. અનેક કિસ્સામાં વીમા કંપનીઓ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના નામે ગ્રાહકોના ક્લેઈમ રિજેક્ટ કરી દેતી હોય છે જેના પર હવે સરકાર સખ્ત પગલા લઈ શકે છે.

આપણામાંથી અનેક લોકો એ વિચારીને હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવતા હોય છે કે તેનાથી સારવારમાં સરળતા રહેશે અને મદદ મળશે. પરંતુ ઈન્સ્યોરન્સ ક્લેઈમ કરવો એટલો આસાન નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આજે ભારતમાં ગ્રાહક સુરક્ષા અદાલતોમાં જેટલી પણ ફરિયાદો કરવામાં આવી છે તેમાંથી 1/3 ફરિયાદો માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમને લગતી હોય છે.
કન્સ્યુમર કોર્ટમાં સૌથી વધુ કેસ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને લગતા
કન્સ્યુમર કોર્ટમાં અત્યારે 5 લાખ 40 હજાર જેટલા કેસ ચાલી રહ્યા છે જે પૈકી 1 લાખ 70 હજાર કેસ તો માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની સામેના છે. આ કેસ કરનારા તમામ ગ્રાહકોને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની તરફથી ધોખાધડીનો અનુભવ થયો છે. હવે તેઓ કન્સ્યુમર કોર્ટનો દરવાજો ખટખટાવી ન્યાય માગી રહ્યા છે અને આ વીમા કંપની સામે ફરિયાદ કરી રહ્યા છે.
24 કલાક હોસ્પિટલમાં એડમિટ રહેવાના નિયમ પર થશે ફેરવિચાર
નવા વર્ષે હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે સંકળાયેલા બે મોટા ફેરફાર થઈ શકે છે. જેનાથી કન્સ્યુમરની સમસ્યા થોડી હળવી થઈ શકે છે. જેમા પહેલો જે બદલાવ થશે તે હોસ્પિટલમાં 24 કલાક એડમિટ રહેવાના નિયમ પર થઈ શકે છે. આ પણ એક ઘણી મોટી સમસ્યા છે કારણે કે મોટી મોટી વીમા કંપનીઓ ક્યારેક લોકોના ક્લેઈમ એટલા માટે પણ રિજેક્ટ કરી દેતી હોય છે કે દર્દી 24 કલાક હોસ્પિટલમાં એડમિટ નથી રહ્યા.
ઈન્સ્યોરન્સ પોલિસીમાં એ લખેલુ હોય છે કે 24 કલાક સુધી એડમિટ થયા વિના ક્લેઈમ નહીં કરી શકાય. જો તમે હોસ્પિટલમાં 24 કલાક દાખલ નથી થયા તો તમારો ક્લેઈમ પાસ નહીં થાય. આ સમસ્યા હવે એટલા માટે વધી રહી છે કે એવી અનેક બીમારીઓ છે જેનો ઈલાજ એક જ દિવસમાં થઈ જાય છે. આજે મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે તમારે ઈલાજ માટે હોસ્પિટલમાં અનેક દિવસો સુધી એડમિટ રહેવાની જરૂર નથી. કેટલાક કલાકોની સારવાર લઈ તમે ઘરે પરત આવી શકો છો. અનેક એવી સર્જરી છે જે માત્ર થોડી કલાકોમાં થઈ જાય છે અને સાંજ સુધીમાં તમને ડિસ્ચાર્જ મળી જાય છે.
આવા કેસમાં જ્યારે લોકો ઈન્સ્યોરન્સ માટે ક્લેઈમ કરે છે તો તેમનો ક્લેઈમ રિજેક્ટ થઈ જાય છે. હવે સરકાર એવી તૈયારીમાં છે કે વીમા કંપનીઓના આ 24 કલાક ભરતી રહેવાના નિયમને ખતમ કરી દેવામાં આવે. આ સાથે જ વધુ એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે
-
પોલિસીના ડોક્યુમેન્ટને સરળ બનાવવા પર ફેરવિચાર
-
પહેલા પન્ના પર જ પોલિસીની સમરી આપવા સૂચન
-
ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના નામે ખોટી રીતે ગ્રાહકોને હેરાન કરવાનો ખેલ હવે થશે બંધ !
દરેક પોલિસીધારકે જોયુ હશે કે ઈન્સ્યોરન્સ પોલિસી લેતા સમયે તેને એટલા બધા પેપર્સ આપવામાં આવે છે. જેમા અત્યંત નાના-નાના ફોન્ટમાં જે વાંચવામાં પણ ઘણા મુશ્કેલ હોય તેવા નાના ફોન્ટમાં એટલી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખેલી હોય છે કે ગ્રાહક પોતાના ઉપયોગની વસ્તુ પણ ના તો વાંચી શકે છે ના તો સમજી શકે છે. આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખેલા કાગળોમાં એટલી અઘરી ભાષામાં લખાણ લખેલુ હોય છે કે ગ્રાહકે તે વાંચવા માટે અને સમજવા માટે પણ કદાચ એક વકીલ હાયર કરવો પડે. જે પહેલા વાંચશે અને પછી તમને સમજાવે કે પોલિસીમાં શું કહેવામાં આવ્યુ છે.
જો કે તેની પાછળ પણ વીમા કંપનીઓની ચાલાકી જ રહેલી હોય છે. આ કંપનીઓ એવુ ઈચ્છતી જ નથી હોતી કે તમે તેમના નિયમો વાંચો અને તમને સમજમાં પણ આવે. આ વીમાં કંપનીઓની એક જાળ સમાન જ હોય છે. કારણ કે કંપની એવુ જ ઈચ્છે છે કે તમે કંઈપણ વાંચ્યા- સમજ્યા વિના જ સાઈન કરી પોલિસી લઈ લો. જો પોલીસી લેતા પહેલા તમે વાંચવાનો પ્રયાસ કરશો તો પણ તમે વાંચી નહીં શકો. તેને એટલા નાના ફોન્ટમાં અને મુશ્કેલ ભાષામાં તમારી સમક્ષ રાખવામાં આવે છે કે તમે વાંચ્યા બાદ પણ તમારુ માથુ જ પકડી લેશો. અને ત્યારબાદ વધેલા પન્નાઓને તમે વાંચ્યા વિના જ સહી કરી નાખો છો. ત્યારબાદ જ્યારે તમે ક્લેઈમ કરો છો ત્યારે જ તમને આ વીમા કંપનીઓની ચાલાકી સમજમાં આવે છે અને સમજાય છે કે કેવી કેવી બાબતો પર તમારી સિગ્નેચર લઈ લેવામાં આવી છે.
પોલિસીને લગતી તમામ સમરી પહેલા પન્ના પર, ગ્રાહક સમજી શકે તેવી ભાષામાં આપવા વિચારણા
હવે સરકાર વીમા કંપનીઓની આ ચાલાકી સામે એવો પ્રયાસ કરી રહી છે કે પોલીસીના પહેલા પન્ના પર જ સ્પષ્ટ અને મોટા શબ્દોમાં એક સમરી લખવામાં આવે. જેનાથી ગ્રાહકો બરાબર વાંચી સમજી વિચારીને પોલિસી ખરીદી શકે. આ સમરીમાં આ પોલિસી વિશે એ બધી જ જાણકારી હશે જે ગ્રાહકને ઉપયોગી હશે અને પોલિસી લેતા પહેલા ગ્રાહકને બરાબર સમજમાં આવે.
આ પણ વાંચો: અમદાવાદ રામકથા માટે આવેલા જગદગુરુ રામભદ્રાચાર્યનો હુંકાર, અયોધ્યા બાદ કાશી અને મથુરા પણ લઈને રહીશુ- વીડિયો
