Mulayam Singh Yadav Death: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક તરીકે જાણીતા નેતા મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh yadav death) આજે ટૂંકી માદગી બાદ નિધન થયુ છે. તેઓ થોડા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવનું સ્વાસ્થ્ય 2 ઓક્ટબરના રોજ બગડયુ હતુ. જેના કારણે તેમને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયથી તેઓ આઈસીયુમાં એડમિટ હતા. તેમના સ્વાસ્થ્યને લઈને સતત અપડેટ મળી રહી હતી. થોડા સમય પહેલા તેમના સારા સ્વાસ્થ્યના સમાચાર પણ મળ્યા હતા પણ આજે ઉત્તરપ્રદેશના આ દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)નું નિધન થયુ છે.
તેમના નિધનથી હાલ ઉત્તરપ્રદેશ સહિત આખા દેશમાં દુ:ખનો માહોલ છે. તેમની માંદગી દરમિયાન વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ ફોન પર તેના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછ્યા હતા. મુલાયમ સિંહ યાદવ એક વિશાળ પરિવાર ધરાવે છે. ભારતના રાજકરણમાં તેમના પરિવારના મોટાભાગના સભ્યો સામેલ છે. તેથી તેમનો પરિવાર ભારતનો સૌથી મોટો રાજકીય પરિવાર પણ છે.
મુલાયમ સિંહના દાદાનું નામ મેવારામ હતુ. મેવારામના 2 બાળકો હતા, સુધર સિંહ અને બચ્ચીલાલ સિંહ. સુધર સિંહના 5 બાળકો હતા. તેમાં મુલાયમ સિંહ યાદવ, રાજપાલ સિંહ યાદવ, રતન સિંહ, અભય રામ સિંહ અને શિવપાલ સિંહ યાદવનો સમાવેશ થાય છે. આ ભાઈઓમાં શિવપાલ સિંહ યાદવ સૌથી નાના અને મુલાયમ સિંહ ત્રીજા નંબરના ભાઈ હતા.
અભય રામ યાદવ – પાંચ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હતા. તેમના પુત્ર ધર્મેદ્ર યાદવ 3 વાર સાંસદ બની ચૂક્યા છે.
રતન સિંહ યાદવ – પાંચ ભાઈઓમાં બીજા નંબરના ભાઈ હતા. પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવ તેમના પૌત્ર છે. તેજ પ્રતાપ યાદવના પિતા રણવીર સિંહ છે. તેજ પ્રતાપ યાદવના લગ્ન લાલૂ પ્રસાદ યાદવની પુત્રી સાથે થયા છે. તેથી તેજ પ્રતાપ લાલૂના જમાઈ છે.
મુલાયમ સિંહ યાદવ – લોહિયા ચળવળમાં સક્રિયપણે ભાગ લેનાર મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર , 1939ના રોજ થયો હતો. પાંચ ભાઈઓમાં મુલાયમ ત્રીજા નંબરે છે. તેમણે 4 ઓક્ટોબર 1992ના રોજ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. મુલાયમ સિંહે પ્રથમ વખત માલતી દેવી સાથે લગ્ન કર્યા હતા. અખિલેશ યાદવ મુલાયમ અને માલતી દેવીના પુત્ર છે.
મુલાયમના બીજા લગ્ન સાધના ગુપ્તા સાથે થયા હતા. પ્રતીક યાદવ સાધના અને મુલાયમના પુત્ર છે. અખિલેશ યાદવે 24 નવેમ્બર 1999ના રોજ ડિમ્પલ યાદવ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે પ્રતીકે અપર્ણા યાદવ સાથે લગ્ન કર્યા હતા. અખિલેશ હાલ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ડિમ્પલ સાંસદ પણ રહી ચૂકી છે. તે કન્નૌજથી 2019ની ચૂંટણી હારી ગઈ હતી. અખિલેશે ઓસ્ટ્રેલિયાથી અભ્યાસ કર્યો છે.
પ્રતીક યાદવ રાજકારણથી દૂર રહે છે. તે જીમ ચલાવે છે. તેમની પત્ની અપર્ણા યાદવે ચોક્કસપણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અપર્ણાએ 2017માં લખનૌ કેન્ટથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
રાજપાલ સિંહ યાદવ – પાંચ ભાઈઓમાં રાજપાલ સિંહ યાદવનું નામ ચોથા નંબર પર આવે છે. રાજપાલ મુલાયમ કરતા નાના છે. રાજપાલનો પુત્ર અંશુલ પણ સક્રિય રાજકારણમાં છે. અંશુલ સતત બીજી વખત બિનહરીફ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચૂંટાયા છે. રાજપાલની પત્ની પ્રેમલતા યાદવ પણ રાજકારણમાં છે. પ્રેમલતાએ 2005માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પ્રેમલતા મુલાયમ સિંહ યાદવ પરિવારની પ્રથમ મહિલા છે, જેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. આ પછી શિવપાલ સિંહ યાદવની પત્ની સરલા યાદવ, અખિલેશની પત્ની ડિમ્પલ યાદવ અને પ્રતીક યાદવની પત્ની અપર્ણા યાદવે રાજકારણમાં પ્રવેશ કર્યો.
શિવપાલ સિંહ યાદવ- મુલાયમના સૌથી નાના ભાઈ શિવપાલ સિંહ યાદવ છે. કહેવાય છે કે મુલાયમ સિંહ યાદવને રાજનીતિમાં જો કોઈએ સૌથી વધુ મદદ કરી હોય તો તે શિવપાલ સિંહ યાદવ છે.
પ્રો. રામ ગોપાલ યાદવ- મુલાયમ સિંહ યાદવના કાકા બચ્ચી લાલ સિંહના પુત્ર પ્રો. રામ ગોપાલ યાદવ. બચીલાલને બે બાળકો છે. પુત્ર પ્રો. રામ ગોપાલ અને પુત્રી ગીતા યાદવ. પ્રો. રામગોપાલ રાજકારણમાં પણ સક્રિય છે.
મુલાયમ સિંહ યાદવના લગભગ 11 સભ્યો હાલ ભારતીય રાજકારણમાં સક્રિય છે. તેથી જ મુલાયમ સિંહ યાદવના પરિવારને ભારતનો સૌથી મોટો રાજકીય પરિવાર કહેવાય છે.