MANN KI BAAT : પર્યટનને વેગ આપવા દેશમાં 71 દીવાદાંડીને વિકસિત કરાશે

MANN KI BAAT : વડાપ્રધાન મોદીએ કહ્યું કે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ (lighthouses) અલગ તારવવામાં આવી છે.

  • Tv9 webdesk42
  • Published On - 21:09 PM, 28 Mar 2021
MANN KI BAAT : પર્યટનને વેગ આપવા દેશમાં 71 દીવાદાંડીને વિકસિત કરાશે
‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ દીવાદાંડીઓ વિશે વાત કરી

MANN KI BAAT : ‘મન કી બાત’ના પંચોતેરમાં સંસ્કરણમાં વડાપ્રધાન મોદી (PM MODI)એ આકાશવાણી મારફતે દેશવાસીઓને સંબોધન કરતા દેશમાં પર્યટન અંગે મહત્વની જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું કે ‘મન કી બાત’ દરમ્યાન તેમણે પ્રવાસનના વિવિધ પાસાંઓ વિષે અનેક વખત વાત કરી છે. પરંતુ આ દિવાદાંડીઓ (lighthouses) પ્રવાસનની દ્રષ્ટિએ અજોડ હોય છે.

દેશમાં 71 દીવાદાંડીને વિકસિત કરાશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દીવાદાંડીઓ પોતાની ભવ્ય બાંધણીના કારણે હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ અલગ તારવવામાં આવી છે. આ તમામ દિવાદાંડીઓમાં તેમની ક્ષમતા મુજબ સંગ્રહાલય, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, અલ્પાહારગૃહ, બાળઉદ્યાન, પર્યાવરણ સાનુકૂળ નિવાસગૃહો અને કુદરતી સૌંદર્ય સ્થળ તેયાર કરવામાં આવશે.

ગુજરાતમાં પણ ઐતિહાસિક દીવાદાંડીઓ
ગુજરાત પાસે 16૦૦ કિલોમીટરનો દરિયાકિનારો છે. ગુજરાતના આ દરિયાકાંઠે અનેક ઐતિહાસિક દીવાદાંડીઓ આવેલ છે. આમાંથી રાવલપીર, મવડી, કાળુભાર ટાપુ, સમીયાણી બેટ, નવી બંદર, પીરોટન, ભીડભંજન, નવા બંદર, જાફરાબાદ, પીરમબેટ અને રૂવાપરીની દીવાદાંડીઓ 75 વર્ષ કરતા પણ જૂની છે.

ઝીંઝુવાડા ગામે આવેલ દીવાદાંડી આજે પણ હયાત
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે આવેલ દીવાદાંડીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જયારે દિવાદાંડીની વાત થઇ રહી છે તો હું એક અજોડ દિવાદાંડી વિષે આપને પણ જણાવવા ઇચ્છીશ. આ દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. જાણો છો ?  આ દિવાદાંડી કેમ ખાસ છે ? ખાસ એટલા માટે છે કે જયાં આ દિવાદાંડી આવેલી છે, ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થર પણ મળી જશે, જે એવું સૂચવે છે કે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. એનો અર્થ એ થયો કે પહેલાં દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે.

વડાપ્રધાને ઉલ્લેખ કર્યો એ દીવાદાંડી ઝીંઝુવાડા ગામે આજે પણ હયાત છે અને એક સમયે અહીં થતા બહોળા  દરિયાઈ વ્યાપારની સાક્ષી  પૂરે છે. એક સમયે ઝીંઝુવાડા મહત્વનું બંદર હતુંઅને દરિયાઇ માર્ગે અહીંથી સિંધ પ્રદેશમાં વેપાર થતો હતો તેના જહાજો ઝીંઝુવાડામાં લાંગરવામાં આવતા હતા તે કડા પણ આજે મોજુદ છે.