એ મૌની અમાસ જ્યારે કુંભમાં 800 લોકોના થયા હતા મોત, આજે પણ છે મૌની અમાસ…જાણો કુંભમાં ક્યારે ક્યારે બની મોટી દુર્ઘટનાઓ
કુંભમાં મૌની અમાસ પર ભાગદોડ મચી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પ્રયાગરાજમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં 800 લોકોના મોત થયા હતા. ત્યારે આ લેખમાં એ મૌની અમાસના દિવસે એવી તે શું ઘટના બની કે ભાગદોડ મચી અને અગાઉ કુંભ મેળામાં આવી દુર્ઘટનાઓ ક્યારે ક્યારે સર્જાઈ છે, તેના વિશે જાણીશું.

પ્રયાગરાજ મહાકુંભની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા આ ઉત્સવમાં ભાગ લેવા માટે દરરોજ લાખો લોકો જોડાઈ રહ્યા છે. 29 જાન્યુઆરીએ યોજાનાર મૌની અમાસ સ્નાન માટે કરોડો લોકોની ભીડ જોવા મળી હતી. જેના કારણે કુંભ નગરી પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રે ભાગદોડ મચી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
મહાકુંભમાં આજે એટલે કે બુધવારે મૌની અમાસના દિવસે અમૃત સ્નાન છે. જેના કારણે પ્રયાગરાજમાં લગભગ 5 કરોડ ભક્તો હાજર રહેશે એવો અંદાજ હતો. અમૃત સ્નાનને કારણે મોટાભાગના પોન્ટૂન પુલ બંધ કરવામાં આવ્યા હતા. આના કારણે સંગમ ખાતે કરોડો લોકોની ભીડ એકઠી થવા લાગી. જેના કારણે કેટલાક લોકો બેરિકેડમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા. જેને જોઈને નાસભાગની અફવા ફેલાઈ ગઈ.
સંગમ નોજ પર પ્રવેશ અને બહાર નીકળવાના કોઈ અલગ રસ્તા નહોતા. લોકો જે રસ્તે આવી રહ્યા હતા તે જ રસ્તે પાછા જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે નાસભાગ મચી ત્યારે લોકોને બચવાનો મોકો મળ્યો નહીં. તેઓ એકબીજા પર પડતા રહ્યા અને આ પરિસ્થિતિ સર્જાઈ.
કુંભમાં મૌની અમાસ પર ભાગદોડ મચી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પ્રયાગરાજમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં 800 લોકોના મોત થયા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે, એ મૌની અમાસના દિવસે એવી તે શું ઘટના બની હતી કે ભાગદોડ થઈ અને 800 લોકોના મોત થયા. આ ઉપરાંત અગાઉ કુંભ મેળામાં આવી દુર્ઘટનાઓ ક્યારે ક્યારે સર્જાઈ છે, તેના વિશે પણ જાણીશું.
એ મૌની અમાસ જ્યારે પ્રયાગરાજમાં 800 લોકોના થયા હતા મોત
પ્રયાગરાજમાં 3 ફેબ્રુઆરી, 1954ના રોજ મૌની અમાસના અવસર પર લાખો ભક્તો અમૃત સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. સ્વતંત્ર ભારતના પહેલા કુંભ મેળામાં એક હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ ફેલાયું અને ભાગદોડ મચી ગઈ, લોકો ચીસો પાડી રહ્યા હતા અને અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં 800 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ કુંભ મેળામાં હાથીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની મુલાકાતને કારણે કુંભમાં ભીડ થઈ હતી. તેમના માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની કુંભની સુરક્ષા પર અસર પડી. જો કે,એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે પંડિત નેહરુ કુંભ મેળાની વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક દિવસ પહેલા મેળાની મુલાકાતે આવ્યા હતા.દુર્ઘટના દરમિયાન તે ત્યાં હાજર નહોતા.
સરકારે આ ઘટનામાંથી બોધપાઠ લીધો અને ધાર્મિક મેળાવડામાં ભીડ વ્યવસ્થાપન માટેની પોતાની વ્યૂહરચના બદલી. કુંભમાં આવનારા લોકોને ક્ષણ-ક્ષણ માહિતી પૂરી પાડવા માટે લાઉડસ્પીકર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું. લાઇટિંગ વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. 1954ની ઘટના પછી પંડિત નેહરુએ આવી ભીડને રોકવા માટે દિવસ દરમિયાન મુખ્ય કુંભ સ્થળોએ વીઆઈપી મુલાકાતો પર પ્રતિબંધ મૂક્યો હતો.આ પછી ઉત્તર પ્રદેશ સરકારે અનેક પગલાં લીધાં અને સંગમ નજીક કામચલાઉ હોસ્પિટલો સહિત અનેક વ્યવસ્થાઓ કરી.
કુંભમાં ક્યારે ક્યારે ભાગદોડની ઘટનાઓ બની ?
મહાકુંભ મેળામાં મંગળવારે મોડી રાત્રે થયેલી ભાગદોડથી તમામ ભક્તોના મનમાં જૂની યાદો તાજી કરી છે. તમને જણાવી દઈએ કે કુંભ દરમિયાન ભાગદોડ મચી હોવાની આ પહેલી ઘટના નથી, પરંતુ તેનો ઇતિહાસ સ્વતંત્રતા સમયથી જોડાયેલો છે. અગાઉ પણ આવી કેટલીક ઘટનાઓ બની છે, જેના વિશે વિસ્તારથી જાણીશું.
1986 : હરિદ્વાર કુંભમાં 200 લોકોના મોત
1986માં હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં ભાગદોડ મચી હતી. 14 એપ્રિલ, 1986ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વીર બહાદુરસિંહ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બે ડઝનથી વધુ સાંસદો સાથે સ્નાન કરવા હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ સામાન્ય લોકોને નદી કિનારે જતા અટકાવ્યા, ત્યારે ભીડ બેકાબૂ થઈ અને ભાગદોડ થઈ. આ ભાગદોડમાં 200 લોકોના મોત થયા હતા.આ અકસ્માતની તપાસ માટે વાસુદેવ મુખર્જી સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે VIP લોકોએ મુખ્ય સ્નાન મહોત્સવમાં હાજરી આપવી જોઈએ નહીં.
2003 : નાસિકમાં 39 લોકોના મોત, 100 થી વધુ ઘાયલ
2003માં મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાસિકમાં કુંભ મેળા દરમિયાન પવિત્ર સ્નાન માટે ગોદાવરી નદીમાં હજારો યાત્રાળુઓ એકઠા થયા હતા. અહીં કુંભના છેલ્લા શાહી સ્નાન દિવસે લાખો યાત્રાળુઓ ગોદાવરી નદીમાં પવિત્ર સ્નાન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક સંતે ચાંદીના સિક્કા ફેંક્યા. લોકો સિક્કા લેવા માટે પડાપડી કરવા લાગ્યા. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઓ અને નાસભાગ મચી. આ નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
2013 : પ્રયાગરાજમાં ફૂટબ્રિજ તૂટતાં ભાગદોડ, 42 લોકોના મોત
2025 પહેલા 2013માં પ્રયાગરાજમાં પૂર્ણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમાં પણ મૌની અમાસના દિવસે સ્નાન દરમિયાન એક દુ:ખદ દુર્ઘટના બની હતી. 10 ફેબ્રુઆરી, 2013ના રોજ મૌની અમાસના દિવસે સ્નાન અને દાન કર્યા પછી મોટી સંખ્યામાં ભક્તો રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર પાછા ફરી રહ્યા હતા. પ્રયાગરાજ જંકશન પર મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થયા હતા. બધા પ્લેટફોર્મ ખીચોખીચ ભરેલા હતા. ઓવરબ્રિજ પર પણ ભારે ભીડ હતી. સાંજે 7 વાગ્યે પ્લેટફોર્મ નંબર 6 તરફ જતા ફૂટ ઓવરબ્રિજની સીડી પર અચાનક નાસભાગ મચી. ધક્કામુક્કીમાં ઘણા લોકો ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયા જ્યારે ઘણા લોકો ભીડમાં કચડાયા. મીડિયા અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં 42 લોકોના મોત થયા હતા અને 45 લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માતનું કારણ એક જાહેરાત હતી. સંગમથી પરત ફરતા મુસાફરો રેલવે સ્ટેશન પર હતા અને નિયુક્ત પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ સમય દરમિયાન અચાનક જાહેરાત થઈ કે ટ્રેન બીજા પ્લેટફોર્મ પર ઉભી છે અને તે ઉપડવાની તૈયારીમાં છે. આ પછી લોકો બીજા પ્લેટફોર્મ તરફ દોડી ગયા. લોકો ફૂટઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન ફૂટઓવરબ્રિજ પરનો ભાર એટલો વધી ગયો કે પુલ તૂટી પડ્યો અને દુર્ઘટના સર્જાઈ હતી.