લિંગાયત મઠના મુખ્ય સંત શિવમૂર્તિ મુરુગા (Shivamurthy murugha) શરણરુ વિરુદ્ધ બાળ યૌન શોષણનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપી છે. તેની સામે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ આ બીજો કેસ છે. આ વખતે આશ્રમ દ્વારા સંચાલિત હોસ્ટેલમાં રહેતી સગીર છોકરીઓનું યૌન શોષણ કરવા બદલ સંત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પહેલો કેસ 25 ઓગસ્ટે નોંધાયો હતો.
બાળ કલ્યાણ સમિતિ દ્વારા શિવમૂર્તિ વિરુદ્ધ મૈસુરની નઝરાબાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બે સગીર છોકરીઓ (12 અને 14 વર્ષ) મઠ દ્વારા સંચાલિત શ્રી જગદગુરુ મુરુગા (SJM) શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મઠમાં કામ કરતી બે છોકરીઓના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ SJM સંસ્થામાં અભ્યાસ કરતી હતી અને મઠની અક્કા મહાદેવી હોસ્ટેલમાં રહેતી હતી. આ દરમિયાન આરોપી શિવમૂર્તિએ કથિત રીતે તેમનું યૌન શોષણ કર્યું હતું. પીડિત છોકરીઓનું કહેવું છે કે, તેમને પૂજારીની સેવા કરવાનું કહેવામાં આવ્યું હતું. સેવા દરમિયાન તેણે તેના પર જાતીય હુમલો કર્યો. પીડિત યુવતીની માતાએ જણાવ્યું કે, તે છ વર્ષથી આશ્રમમાં રસોઈયા તરીકે કામ કરતી હતી. પરિવાર ભણવા માટે અસમર્થ હોવાથી અક્કા મહાદેવી આશ્રમ દ્વારા સંચાલિત હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી હતી. પીડિત છોકરીની માતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, કોરોના લોકડાઉન દરમિયાન 2020માં પ્રથમ જાતીય હુમલો થયો હતો. આ પછી તેનું વારંવાર યૌન શોષણ થતું હતું.
પીડિત છોકરીની માતાએ વધુમાં જણાવ્યું કે, આરોપી શિવમૂર્તિ સાથે કામ કરતા લોકોએ તેની પુત્રીને સંતના રૂમમાં જવા દબાણ કર્યું અને સેવા કરવાની ધમકી આપી. આ પછી પીડિતાના પરિવારે મૈસુર એનજીઓ ઓડનાડીનો સંપર્ક કર્યો. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, શિવમૂર્તિ શરણરુ, હોસ્ટેલ વોર્ડન રશ્મિ, યુવા સંત બસવરાદિત્ય, મઠ કાર્યકર પરમશિવૈયા, ગંગાધરૈયા, મહા લિંગૈયા અને કરીબસપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
જગદગુરુ મુરુગરાજેન્દ્ર વિદ્યાપીઠ મઠના વડા શિવમૂર્તિ મુરુગા શરણરુની 1 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 2019 અને 2022ની વચ્ચે 15 અને 16 વર્ષની બે છોકરીઓ પર દુષ્કર્મ કરવાનો આરોપ છે અને પોલીસે 25 ઓગસ્ટે POCSO એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો હતો.