ગુરુ પર્વ(Guru Parva)ના અવસર પર પણ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે અટારી-વાઘા બોર્ડરથી 1500 શ્રદ્ધાળુઓનો સમૂહ પાકિસ્તાન (Pakistan) જઈ શકશે. મળતી માહિતી મુજબ 17થી 26 નવેમ્બરની વચ્ચે 1,500 શ્રદ્ધાળુનો સમૂહ ભૂમિ સરહદ એટલે કે અટારી વાઘાથી પાકિસ્તાન જઈ શકશે.
હકીકતમાં ગયા વર્ષે માર્ચમાં કોવિડને કારણે કરતારપુર કોરિડોર બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ઘણા સમયથી તેને ખોલવાની માંગ કરવામાં આવી રહી હતી. જો કે સરકારે તેને હાલ પુરતો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને કરતાપુર કોરિડોર ખોલવાની અપીલ કરી હતી.
સરકારના આ નિર્ણય વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે કરતારપુર કોરિડોરની હિલચાલ ગયા વર્ષે માર્ચમાં સ્થગિત કરવામાં આવી હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી વાઘાથી સીમિત ધોરણે મુસાફરી કરવામાં આવી રહી છે. કોઈપણ પક્ષ તેના હાલના નિયમો અને આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.
ગુરૂપર્વ સાથે જોડાયેલ મહત્વ અને ભાવનાઓને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે લગભગ 1500 શ્રદ્ધાળુનો સમૂહ 17-26 નવેમ્બર 2021 દરમિયાન અટારી-વાઘા ICP દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘ધાર્મિક યાત્રાધામોની મુલાકાત’ પર 1974ના દ્વિપક્ષીય પ્રોટોકોલ હેઠળ આવરી લેવામાં આવી છે.
આ દરમિયાન શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા શ્રી દરબાર સાહિબ, ગુરુદ્વારા શ્રી પંજા સાહિબ, ગુરુદ્વારા શ્રી દેહરા સાહિબ, ગુરુદ્વારા શ્રી નનકાના સાહિબ, ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ અને ગુરુદ્વારા શ્રી સચ્ચા સૌદાની મુલાકાત લેવાના છે.
અગાઉ મંગળવારે પાકિસ્તાને પણ ભારતને કરતારપુર કોરિડોર ફરીથી ખોલવા અને શીખ તીર્થયાત્રીઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે “ભારતે હજુ સુધી તેની બાજુથી કોરિડોર ખોલ્યો નથી અને તીર્થયાત્રીઓને કરતારપુર સાહિબ જવાની મંજૂરી આપી નથી. અમે 17થી 26 નવેમ્બર સુધી ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી માટે ભારત અને વિશ્વભરના આવતા ભક્તોની મેજબાની માટે ઉત્સુક છીએ.”
આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા
આ પણ વાંચો: Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન