ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરથી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું કર્યું ઉદ્ઘાટન,  કહ્યું – પ્રવાસન અને રોકાણને મળશે વેગ

અમિત શાહે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનના આ પવનને કોઈ રોકી શકશે નહી.

ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરથી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું કર્યું ઉદ્ઘાટન,  કહ્યું - પ્રવાસન અને રોકાણને મળશે વેગ
HM Amit Shah

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (HM Amit Shah) શનિવારે શ્રીનગર (Srinagar)થી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે આનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને અહીં વધુ રોકાણ આવશે. આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું કે અમે આજથી તેની શરૂઆતની જાહેરાત કરીએ છીએ. આ સિવાય શાહે કહ્યું કે અમે આજથી ‘કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હેલિકોપ્ટર ઓપરેશન અંગેની નીતિ’ પણ જાહેર કરીએ છીએ.

 

શારજાહ માટેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ઉદ્ઘાટન બાદ શાહે ટ્વીટ કર્યું, શ્રીનગરથી શારજાહ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું. શ્રીનગર-શારજાહ વચ્ચે સીધી કનેક્ટીવીટી પ્રવાસનને પ્રોત્સાહન આપશે, તેમજ આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ સપ્લાયને સરળ બનાવશે, જમ્મુ-કાશ્મીરના કૃષિ અને બાગાયતી ઉત્પાદકોની આવકમાં ચોક્કસપણે ગુણાત્મક વધારો થશે અને રોજગારી પણ વધશે.

 

અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા હતા. 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ કરવા પર અને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી શાહની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. તેમણે કાશ્મીર ખીણમાં નાગરિકોની ખાસ કરીને બિન-સ્થાનિક કામદારો અને લઘુમતીઓ પર વધતા હુમલાના પગલે આતંકવાદ સામે લડવા માટે લીધેલા પગલાંની સમીક્ષા કરી.

 

આ પહેલા શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે કાશ્મીરમાં યુવાનોને તક મળવી જોઈએ, તેથી ત્યાં સારૂં સીમાંકન પણ થશે. સીમાંકન બાદ ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તો અમે તેનો કડકાઈથી ઉકેલ લાવીશું.

 

કાશ્મીરમાં પરિવર્તનના પવનને કોઈ રોકી શકશે નહીં: શાહ

અમિત શાહે કહ્યું કે આજે જમ્મુ -કાશ્મીરમાં યુવાનો વિકાસ, રોજગાર અને શિક્ષણની વાત કરી રહ્યા છે. આ એક મોટો ફેરફાર છે. હવે ભલે ગમે તેટલું દબાણ કરવામાં આવે, પરિવર્તનના આ પવનને કોઈ રોકી શકશે નહી. તેમણે કહ્યું, અઢી વર્ષ પછી હું જમ્મુ -કાશ્મીર આવ્યો છું અને સુરક્ષા સમીક્ષા બેઠક બાદ મારો પહેલો કાર્યક્રમ યુવા ક્લબના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યુવાનોને મળીને હું ખૂબ જ આનંદ અને હળવાશ અનુભવું છું. ”

 

ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીરની 70 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જો આ વસ્તીના મનમાં આશા જગાડવામાં આવે અને તેને વિકાસના કામો સાથે જોડવામાં આવે તો કાશ્મીરની શાંતિમાં ક્યારેય કોઈ વિક્ષેપ નહીં આવે. તેમણે કહ્યું, હું ખાતરી આપું છું કે જે પણ જમ્મુ -કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે, અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. વિકાસની જે યાત્રા અહીંથી શરૂ થઈ છે, તેને કોઈ રોકી શકશે નહીં.

 

આ પણ વાંચો :  જમ્મુ -કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે, જે લોકો શાંતિ ભંગ કરવા માગે છે તેની સામે કડક કાર્યવાહી થશે: અમિત શાહ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati