
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા અને આરામ માટે ટિકિટ બુકિંગ નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. આમાં લોઅર બર્થ એલોકેશન, સૂવાનો સમય અને એડવાન્સ રિઝર્વેશન સમયગાળામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જણાવેલ નિયમો આ વર્ષથી અમલમાં આવી રહ્યા છે અને મુસાફરીને વધુ સરળ બનાવવામાં મદદ કરશે.
મુસાફરો ઘણીવાર ફરિયાદ કરે છે કે, લોઅર બર્થ પસંદ કરવા છતાં તેમને ઉપરની અથવા મિડલ બર્થ આપવામાં આવે છે. આ સમસ્યાને ઉકેલવા માટે રેલવેએ એક નવી સિસ્ટમ લાગુ કરી છે. વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓને હવે લોઅર બર્થ માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. જો કે, આ સુવિધા સીટની ઉપલબ્ધતા પર આધાર રહેશે.
રેલવેએ રિઝર્વ્ડ કોચમાં સૂવાનો સમય પણ નક્કી કર્યો છે. મુસાફરો હવે રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી તેમની નિર્ધારિત બર્થમાં સૂઈ શકે છે. દિવસ દરમિયાન બેઠકોનું વિતરણ એવું હશે કે, RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કન્ફર્મેશન) ધરાવતા મુસાફરો સાઇડ લોઅર બર્થ પર બેસશે, જ્યારે બુકિંગ ધરાવતા મુસાફરો સાઇડ અપરની બર્થ પર બેસશે. જો કે, રાત્રે ફક્ત લોઅર બર્થમાં બેઠેલા મુસાફરોને જ સૂવાનો અધિકાર રહેશે.
એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) અગાઉના 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, મુસાફરો હવે તેમની મુસાફરીના 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરી શકશે. આ ફેરફાર ટિકિટ બુકિંગ પ્રોસેસને સરળ બનાવશે અને રદ કરવાની સમસ્યાઓ ઘટાડશે.
ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર આર.એન. યાદવે જણાવ્યું કે, નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે મુસાફરોને બુકિંગ કરતી વખતે તેમની સીટ પસંદગી યોગ્ય રીતે દાખલ કરવા અપીલ કરી છે. વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ લોઅર બર્થની પ્રાથમિકતા પસંદ કરી શકે છે, જ્યારે બીજા મુસાફરો પણ જો ફક્ત લોઅર બર્થ પર મુસાફરી કરવા માંગતા હોય તો તેઓ નવા વિકલ્પને પસંદ કરી શકે છે.