પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત તણાવ જાળવી રાખતા ચીનને (China) ભારત પણ સખત પાઠ ભણાવી રહ્યું છે. મંગળવારે લોકસભામાં (Lok Sabha) એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભારતે 2019-21 વચ્ચેના ત્રણ વર્ષ દરમિયાન ચીનના કુલ 726 નાગરિકોને વિઝાની પ્રતિકૂળ યાદીમાં મૂક્યા છે. આ યાદીમાં સામેલ લોકો ભારતમાં પ્રવેશી શકશે નહીં. આ સાથે એ પણ માહિતી આપવામાં આવી છે કે આ જ સમયગાળામાં 117 ચીની લોકોને ભારતથી પાછા મોકલવામાં આવ્યા છે.આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
એવું કહેવામાં આવ્યું છે કે 2019 અને 2021 વચ્ચે ભારતમાં રહેતા 81 ચીની નાગરિકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમને દેશ છોડવાની સૂચના આપવામાં આવી હતી. આ તમામ લોકો પર વિઝા નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
નિત્યાનંદ રાયે લોકસભામાં કહ્યું, સરકાર માન્ય દસ્તાવેજો દ્વારા ભારતમાં પ્રવેશનારા તમામ વિદેશી નાગરિકોનો રેકોર્ડ રાખે છે. જેમાં ચીનના નાગરિકો પણ સામેલ છે. તેમાંના કેટલાક વિદેશી નાગરિકો વિઝાની મુદત પૂરી થયા પછી પણ તબીબી કારણોસર અથવા અન્ય કોઈ કારણસર ભારતમાં રહેવાનું ચાલુ રાખે છે. જે કેસમાં તપાસમાં એવું જાણવા મળે છે કે તે લોકો કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર કે અજાણતા રોકાયા છે તો તેમની પાસેથી દંડ લઈને ઓવરસ્ટેને નિયમિત કરવામાં આવે છે અને જો જરૂર જણાય તો વિઝાની મુદત લંબાવવામાં આવે છે.
તેમણે કહ્યું કે એવા કિસ્સામાં જ્યાં જાણવા મળે છે કે વિઝાની મુદત પૂરી થયા પછી પણ વિદેશી નાગરિક જાણી જોઈને ભારતમાં રહે છે, તો ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. વિદેશી નાગરિક માટે ભારત છોડવાની અને દંડ અથવા વિઝા ફી વસૂલવાની પણ જોગવાઈ છે. ગૃહ મંત્રાલય 726 ચીની નાગરિકોની યાદી તૈયાર કરે છે જેમને સરકાર દ્વારા વિઝાની પ્રતિકૂળ યાદીમાં મૂકવામાં આવ્યા છે.
આ યાદીમાં સામેલ લોકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ યાદી ભારતીય દૂતાવાસને મોકલવામાં આવે છે, જેથી આવા લોકોને ભારતમાં પ્રવેશતા અટકાવી શકાય.