રેમડેસિવિર ઈન્જેકશનનું વધ્યુ ઉત્પાદન, જાણો દેશમાં દર મહિને હવે કેટલા આવે છે રેમડેસિવિર ઇન્જેક્શન

હવે ભારતમાં દર મહિને 1.05 કરોડ રેમડેસિવિર ઇંજેક્શન ( remdesivir injections ) બનાવવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ આપી હતી. તેમણે ગયા મહિને કહ્યું હતું કે ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

  • Bipin Prajapati
  • Published On - 17:11 PM, 4 May 2021
રેમડેસિવિર ઈન્જેકશનનું વધ્યુ ઉત્પાદન, જાણો દેશમાં દર મહિને હવે કેટલા આવે છે રેમડેસિવિર ઇન્જેક્શન
રસાયણ અને ખાતરોના કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયા

કોરોના રોગચાળાના વધતા જતા કેસ અને કોરોનાને અટકાવવા માટે ચોમેરથી માંગવામાં આવતા રીમડેસિવીર ઈન્જેકશનની ( remdesivir injections ) સ્થિતિ વચ્ચે, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે રાહતભર્યુ નિવેદન કર્યુ છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યુ છે કે દેશભરમાં રેમડેસિવીર ઈન્જેકશનની માંગને ધ્યાને લઈને રેમડેસિવીર ઈન્જેકશનની ઉત્પાદન ક્ષમતા વધારીને દર મહિના 1.05 કરોડની થવા પામી છે.

રેમડેસિવીર ઈન્જેકશનની માંગમાં વધારો થવાને કારણે ઈન્જેકશનના ઉત્પાદકોએ તેમના ઉત્પાદનની ક્ષમતામા વધારો કર્યો છે. હવે એક મહિનામાં રિમડેસિવીર ઇંજેક્શનનું ઉત્પાદન 1.05 કરોડ સુધી થશે. હકીકતમાં, કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે દેશના જુદા જુદા ભાગોમાં રેમેડસિવીરની મોટી માંગ સર્જાઈ છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગે ટવીટ કરીને કહ્યું હતું કે દેશમાં રેમેડવીસવીરની વધતી માંગને ધ્યાનમાં રાખીને ભારત રેમેડિસિવીરનું ઉત્પાદન વધારી રહ્યું છે. થોડાક જ દિવસોમાં ઈન્જેકશન ઉત્પાદન કરતા એકમોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં રાસાયણ અને ખાતર વિભાગના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, ‘દેશમાં રેમડેસિવીર ઈન્જેકશનના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. થોડા મહિના પહેલા, દેશમાં એક મહિનામાં 38 લાખ રેમડેસિવીર ઈન્જેકશન ઉત્પાદન થતુ હતું. જે હવે તેની ઉત્પાદન ક્ષમતા વધારીને એક મહિનામાં 1.05 કરોડ થઈ ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અમે દેશમાં ઈન્જેકશનની વધતી માંગને પહોંચી વળવા માટે સક્ષમ બનીશું. ગયા મહિને જ એવી માહિતી મળી હતી કે સરકારે 15 દિવસમાં રેમેડિસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન બમણા કરવાનું કહ્યું છે અને આ અંતર્ગત દરરોજ 3 લાખ ઈન્જેકશન બનાવવાનું લક્ષ્યાંક છે.

રસાયણ અને ખાતરોના રાજ્યમંત્રી મનસુખ માંડવીયા દ્વારા વીડિયો સંદેશ પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું, ‘અમે રેમેડિસિવર ઇંજેક્શનનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે જ સમયે, અમે તેની કિંમત ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.