ઓક્સિજનની અછત દુર કરવા IIT-બોમ્બેના વિદ્યાર્થીઓએ કરી શોધ

આઈઆઈટી બોમ્બેએ ( IIT-Bombay ) ઓક્સિજનના ( Oxygen ) ઉત્પાદનની અનોખી રીત શોધી કાઢી છે, આ નવી પધ્ધતિથી 93થી 96 ટકા શુધ્ધ ઓક્સિજન મળે છે. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓએ કરેલા પરિક્ષણમાં ધાર્યા મુજબના જ પરિણામ સાંપડ્યા છે.

  • Bipin Prajapati
  • Published On - 10:29 AM, 30 Apr 2021
ઓક્સિજનની અછત દુર કરવા IIT-બોમ્બેના વિદ્યાર્થીઓએ કરી શોધ
ઓક્સિજનની અછત દુર કરવા IIT-બોમ્બેના વિદ્યાર્થીઓએ કરી શોધ

કોરોના દર્દીઓ માટે દેશભરમાં ઓક્સિજનની ( Oxygen ) અછતને લઇને સર્જાયેલી સ્થિતિ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. બોમ્બે આઈઆઈટીના ( IIT-Bombay) વિદ્યાર્થીઓએ મેડિકલ ઓક્સિજન સરળતાથી બનાવવાનો માર્ગ શોધી કાઢયો છે. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સંશોધકોએ નાઇટ્રોજન યુનિટને ઓક્સિજન પ્રોડક્શન યુનિટમાં ફેરવીને નવો વિકલ્પ શોધી કાઢયો છે.

દેશની અન્ય ઘણી ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ( IIT) પણ કોરોના વાયરસ સંબંધિત સમસ્યાઓ હલ કરવામાં રોકાયેલા છે. ગુજરાત, દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યો ઓક્સિજનના અભાવના સંકટનો સામનો કરી રહ્યા છે.

આઈઆઈટી બોમ્બે દ્વારા એક નિવેદનમાં જણાવાયુ છે કે પ્રેશર સ્વીંગ એડસોર્પ્શન (પીએસએ) નાઇટ્રોજન યુનિટને, પ્રાયોગિક ધોરણે સફળ પ્રયોગ હેઠળ એક સરળ ટેકનીકમાં પીએસએ ઓક્સિજન યુનિટમાં ફેરવવામાં આવ્યું હતું. સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આઈઆઈટી-બોમ્બેની પ્રારંભિક પરીક્ષણોએ અપેક્ષાઓ સાથે અનુરૂપ પરિણામ આપ્યું છે. આના દ્વારા વાતાવરણીય દબાણ દ્વારા 93થી 96 ટકા શુધ્ધ ઓક્સિજન ઉત્પન્ન થઈ શકે છે.

આ ગેસ ઓક્સિજનનો ઉપયોગ વર્તમાન હોસ્પિટલો ઉપરાંત હંગામી ધોરણે બનાવાઈ રહેલી કે ભવિષ્યમાં આકાર પામનારી નવી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો અવિરત પણ મેળવી શકાશે. IIT-બોમ્બે સંસ્થાના ડીન (આર એન્ડ ડી) ના જણાવ્યા મુજબ, આ (નાઇટ્રોજન યુનિટને ઓક્સિજન યુનિટમાં બદલવું) એ હાલના નાઇટ્રોજન પ્લાન્ટની સિસ્ટમમાં થોડો ફેરફાર હતો અને કાર્બનમાંથી ઝિઓલાઇટ અણુઓને અલગ પાડવામાં આવતો હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવા નાઇટ્રોજન પ્લાન્ટ કે જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવવા માટે હવાને રો મટેરીયલ તરીકે લે છે તેવા પ્લાન્ટ ભારતના વિવિધ ઓદ્યોગિક એકમોમાં હોય છે, આ રીતે, તેમાં થોડોક ફેરાક કરીને દરેક પ્લાન્ટને સંભવત ઓક્સિજન ઉત્પાદન કરતા યુનિટમાં ફેરવી શકાય છે અને આનાથી હાલ જે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે તેમાં આંશિક રાહત મળી જશે.