કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે, તેમણે આ કેસમાં 11 સવાલો તૈયાર કર્યા હતા. જેના જવાબ આપ્યા છે. જો કે જ્યાં સુધી મોટી બેન્ચ નિર્ણય નહીં આપે ત્યાં સુધી કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અમલમાં રહેશે.
તમને જણાવી દઈએ કે આ મામલો કર્ણાટકથી શરૂ થયો હતો. જે આજે પણ તેના અંત સુધી પહોંચ્યો નથી. સવારે 10.30 વાગ્યે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે આ મામલો સુનાવણી માટે મોટી બેંચ પાસે જશે. સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ આ કેસમાં અલગ-અલગ ચુકાદો લખ્યો હતો. ચુકાદો સુરક્ષિત કરતા પહેલા કોર્ટે 10 દિવસ સુધી સુનાવણી કરી હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે હિજાબ તરફી અરજીકર્તાઓ સિવાય કર્ણાટક સરકાર અને કોલેજના શિક્ષકોની દલીલો સાંભળી હતી.
આ પહેલા કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પરના પ્રતિબંધને સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. દરમિયાન, 15 માર્ચે, હાઈકોર્ટે ઉડુપીની સરકારી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓના એક વર્ગને વર્ગખંડોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપતી અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે હિજાબ ઇસ્લામિક આસ્થા અથવા ધાર્મિક પ્રથાનો ભાગ નથી. આ નિર્ણય સામે મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.