ગુલમર્ગમાં તાપમાન માઈનસ 6.5 ડિગ્રી સેલ્સિયસ, આગામી બે દિવસ ખીણમાં થઈ શકે છે વરસાદ અને હિમવર્ષા

ગુલમર્ગમાં તાપમાન માઈનસ 6.5 ડિગ્રી સેલ્સિયસ, આગામી બે દિવસ ખીણમાં થઈ શકે છે વરસાદ અને હિમવર્ષા
snowfall in Gulmarg (Photo-PTI)

કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ શુક્રવારે રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે હવામાન વિભાગે રવિવારથી આગામી બે દિવસ સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 25, 2021 | 5:25 PM

કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ શુક્રવારે રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે હવામાન વિભાગે રવિવારથી આગામી બે દિવસ સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાઝીગુંડ સિવાય શુક્રવારે રાત્રે સમગ્ર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. શ્રીનગરમાં શુક્રવારે રાત્રે લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગુરુવારે રાત્રે તે 2.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

ખીણમાં કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગુરુવારની રાત્રિ કરતાં એક ડિગ્રી વધારે હતું. દક્ષિણ કાશ્મીરને અડીને આવેલા કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં તાપમાનનો પારો માઈનસ 0.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જ્યારે ગુરુવારે રાત્રે અહીંનું તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ તરીકે સેવા આપતા પહેલગામમાં ગુરુવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 5.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે માઈનસ 1.3 ડિગ્રી સેલ્સિયસ હતું. ગુલમર્ગમાં શુક્રવારે રાત્રે માઈનસ 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે ગુરુવારે રાત્રે માઈનસ 5.1 ડિગ્રી સેલ્સિયસ હતું. તે જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઠંડું સ્થળ હતું.

કાશ્મીરમાં 19 ડિસેમ્બરથી ‘ચિલ્લાઇ કલાન’નો 40 દિવસનો સમયગાળો શરૂ થયો હતો, જે દરમિયાન આ પ્રદેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે. આ સમય દરમિયાન, મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના પણ સૌથી વધુ છે, ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે. 31મી જાન્યુઆરીએ ‘ચિલ્લાઇ કલાન’ સમાપ્ત થયા પછી, 20 દિવસની ‘ચિલ્લાઇ-ખુર્દ’ અને ત્યારબાદ 10 દિવસની ‘ચિલ્લાઇ બચા’નો સમયગાળો શરૂ થાય છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ શનિવારની સવારની શરૂઆત ઠંડા હવામાન સાથે થઈ હતી અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ (IMD) અનુસાર, 27 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને તે પછી તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. એટલે કે આગામી 7 દિવસ દરમિયાન ભારતના આ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ નથી.

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati