ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેના પગલે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી સહિત ભાજપના નેતા પહોંચ્યા છે. ભાજપની આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
જેમાં પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે, ગુજરાતની જનતાને વંદન. પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું, નરેન્દ્રએ આ માટે ઘણી મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો છે.
પીએમએ કહ્યું કે આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં યુવા મતદારો હતા. તેમણે કોંગ્રેસનું શાસન જોયું નથી, પરંતુ ભાજપનું કામ જોયું છે. તેથી જ તેઓએ અમારા પર વિશ્વાસ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિઝન અને વિકાસથી યુવાનોના દિલ જીતી શકાય છે. ભાજપ પાસે વિકાસ માટે વિઝન અને પ્રતિબદ્ધતા પણ છે. તેમણે કહ્યું કે પરિણામોએ સાબિત કર્યું છે કે લોકોને વિકાસની રાજનીતિ ગમે છે. મોદીએ કહ્યું કે, જનસંઘના સમયથી પાંચ પેઢીઓએ મહેનત કરી છે. પછી અમે અહીં પહોંચ્યા.
ભાજપની જીત બદલ તમામ મતદારોને અભિનંદન. ગુજરાતની સાથે હિમાચલ, દિલ્હી એમસીડી, યુપીની રામપુર અને બિહારની પેટાચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ ચૂંટણી પંચનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે એક પણ મતદાન કેન્દ્રમાં ફરી મતદાનની જરૂર નથી. પીએમએ કહ્યું કે તેઓ હિમાચલના દરેક મતદાતાના ખૂબ આભારી છે. તેમણે કહ્યું કે હિમાચલ ચૂંટણીમાં જીત અને હારનું માર્જિન એક ટકાથી પણ ઓછું હતું. આવું ક્યારેય બન્યું નથી. મતલબ કે લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે પૂરા પ્રયાસો કર્યા છે. હિમાચલના વિકાસ માટે કેન્દ્ર પ્રતિબદ્ધ રહેશે.