ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેના પગલે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી સહિત ભાજપના નેતા પહોંચ્યા છે. ભાજપની આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશના આગામી 25 વર્ષ વિકાસની રાજનીતિના છે તેમજ ભાજપને મળેલું જનસમર્થન વિકાસને વોટ છે. આ ઉપરાંત ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કર્યો તેમજ સ્થાપનાથી અત્યાર સુધીનો ભાજપને પ્રચંડ જનમત મળ્યો છે.
વડાપ્રધાને જણાવ્યુ કે હિમાચલની જનતાને આશ્વસ્ત કરુ છુ કે ભાજપ પલે એક ટકા માટે સરકાર બનાવતા રહી ગઈ હોય પરંતુ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા 100 ટકા રહેશે. પીએમએ કહ્યુ કે ભાજપને મળેલુ આ સમર્થન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અમૃતકાળમાં પ્રવેશી ચુક્યુ છે. આવનારા 25 વર્ષ વિકાસની રાજનીતિના જ છે. ભાજપને મળેલુ સમર્થન ભારતના યુવાનોની યુવા વિચારશક્તિનું પરિણામ છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે તેઓ વિશેષ રીતે ચૂંટણીપંચનો આભાર માને છે કારણ કે એક પણ પોલિંગ બુથ પર રિપોલિંગ કરવાની નોબત નથી આવી. લોકશાહીના આ પર્વમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ તેના માટે ચૂંટણીપંચ આભારનું હક્કદાર છે.
જેમાં કાર્યકરોને સંબોધિત કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીત ઐતિહાસિક છે. ભાજપના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં જીત માટે પીએમને અભિનંદન. આ જીતે વિકાસના મંત્ર પર મહોર મારી દીધી છે. હું ગુજરાતની જનતાને, ગુજરાતના કાર્યકરોને અને હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં કામ કરી રહેલા તમામ કાર્યકરોને અભિનંદન આપું છું.