PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સરકારે કર્યો ઘટાડો

PPF સહિત ઘણી સરકારી સ્કીમમાં પૈસા લગાવનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે રોકાણની ઘણી યોજનાઓમાં વ્યાજદરોને રિવાઈઝ કર્યા છે. 1 એપ્રિલથી નવા વ્યાજદર લાગૂ થશે.

  • Kunjan Shukal
  • Published On - 23:07 PM, 31 Mar 2021
PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સરકારે કર્યો ઘટાડો

PPF સહિત ઘણી સરકારી સ્કીમમાં પૈસા લગાવનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે રોકાણની ઘણી યોજનાઓમાં વ્યાજદરોને રિવાઈઝ કર્યા છે. 1 એપ્રિલથી નવા વ્યાજદર લાગૂ થશે. બચત યોજનાઓ, કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય બચત પત્ર સહિત ઘણી સ્કીમના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય અંતર્ગત આર્થિક મામલાના વિભાગે આ સંબંધિત સૂચના જાહેર કરી દીધી છે.

 

સેવિંગ ડિપોઝિટ પર વાર્ષિક વ્યાજદર 4 ટકાથી ઘટીને 3.5 ટકા કરી દેવામાં આવ્યું છે. મુદત જમા યોજનાઓની વાત કરીએ તો 1 વર્ષના ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર 5.5 ટકાથી ઘટીને 4.4 ટકા કરી દેવામાં આવ્યું છે. ત્યારે 2 વર્ષની ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર 5.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યું છે. 3 વર્ષની ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર 5.5 ટકાથી ઘટીને 5.1 ટકા કરી દેવામાં આવ્યું છે. જ્યારે 5 વર્ષની ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર 6.7 ટકાથી ઘટાડીને 5.8 ટકા કરી દેવામાં આવ્યું છે.

આ યોજનાઓમાં પણ વ્યાજદરમાં ઘટાડો

5 વર્ષના રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજદર 5.8 ટકાથી ઘટીને 5.3 ટકા કરી દેવામાં આવ્યું છે. તેમાં વ્યાજની ગણતરી ત્રિમાસિક આધાર પર થાય છે. મંથલી ઈન્કમ એકાઉન્ટ માટે વ્યાજદર 6.6 ટકાથી ઘટીને 5.7 ટકા કરી દેવામાં આવ્યું છે. તેમાં વ્યાજની ગણતરી માસિક થશે અને દર મહિને ખાતામાં જ ક્રેડિટ કરી દેવામાં આવશે. ત્યારે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ્સની વાત કરીએ તો તેના વ્યાજદર 7.4 ટકાથી ઘટાડી 6.5 ટકા કરી દેવામાં આવ્યા છે. તેમાં પણ વ્યાજની ગણતરી ત્રિમાસિક આધાર પર થશે.

સુકન્યા સમૃદ્ધિ, PPF, કિસાન વિકાસ પત્ર પર નવા વ્યાજદર

PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ સ્કીમનું વાર્ષિક વ્યાજદર 7.1 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરી દેવામાં આવ્યું છે. ત્યારે KVPનું વ્યાજદર 6.9 ટકાથી ઘટાડીને 6.2 ટકા કરી દેવામાં આવ્યું છે. તેથી તેનો મેચ્યોરિટી પીરિયડ હવે 124 મહિનાની જગ્યાએ 138 મહિના થશે. NSCમાં પણ વ્યાજદર 6.8 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક વ્યાજદર 7.9 ટકાથી ઘટીને 6.9 ટકા કરી દેવામાં આવ્યું છે.

 

દર 3 મહિને લાગૂ થાય છે નવા વ્યાજ દર

તમને જણાવી દઈએ કે સરકાર તરફથી દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજદર લાગૂ કરવામાં આવે છે. ઘણી વખત જૂના વ્યાજદર જ રિવાઈઝ કરી દેવામાં આવે છે. ત્યારે આ વખતે વ્યાજદરોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 31 માર્ચે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ખત્મ હોવાના કારણે નવા વ્યાજ દર જાહેર કરવામાં આવ્યા. હવે 30 જૂને ફરીથી નવા વ્યાજદર લાગૂ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: રાહતના સમાચાર: Aadhaarને PAN કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખમાં વધારો