દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો અટકવાનું નામ નથી લઇ રહ્યા. સળંગ પાંચમા દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ વધારતા પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ટોચે પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં તો પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો. કેટલાક જૂના પેટ્રોલ પંપના મશીનોમાં ત્રણ ડિજિટ ન હોવાથી ભાવ 100 રૂપિયા થતાં કર્મચારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જો કે અહીં સામાન્ય પેટ્રોલનો ભાવ 96.37 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 86.94 રૂપિયા થયો છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 36 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 88.14 રૂપિયાથી વધીને 88.44 રૂપિયા થઇ ગયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 78.74 રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 94.93 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 85.70 રૂપિયા થયો છે.
કોલકાતામાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 89.73 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 82.33 રૂપિયા થયો છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 90.70 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 83.86 રૂપિયા થયો છે. બેંગાલુરુમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 91.40 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 83.47 રૂપિયા થયો છે.