
ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું હતું કે તેણે પ્રયાગરાજ માટે ફ્લાઇટ ભાડા સ્થિર કર્યા છે અને મહાકુંભ માટે રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા વધારીને 900 કરી છે. મુસાફરોની વધતી માંગને કારણે પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સના ભાડામાં વધારા અંગે સતત ફરિયાદો થઈ રહી હતી.
સરકારે એરલાઇન્સને ટિકિટના ભાવ સ્થિર રાખવા તેમજ આ રૂટ પર વધુ ફ્લાઇટ્સ ચલાવવા જણાવ્યું છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે એરલાઇને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ભાડા સ્થિર રહે અને તે તેના તમામ ગ્રાહકોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ડિગોએ પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડામાં 30-50 ટકાનો ઘટાડો કર્યો છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, તેણે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ એરપોર્ટથી ફ્લાઇટ્સની સંખ્યામાં અને સીટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
આ સમયગાળા દરમિયાન ઇન્ડિગો પ્રયાગરાજને ભારતના 10 સ્થળો સાથે જોડશે એમ કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું. આમાં અમદાવાદ, કોલકાતા અને જયપુરથી ફ્લાઇટ્સનો સમાવેશ થશે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ, રાયપુર અને ભુવનેશ્વરથી હાલની કનેક્ટિવિટીનો પણ સમાવેશ થશે.
Akasa એ પ્રયાગરાજની ફ્લાઇટ્સનું ભાડું પણ 30-45 ટકા ઘટાડી દીધું છે. આ સાથે એરલાઇને શહેરમાં ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે. Akasa એરએ જણાવ્યું હતું કે તેણે પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુથી પ્રયાગરાજ માટે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી છે.
મહાકુંભમાં થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હવે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. જે વિસ્તારોમાં ભીડનું દબાણ વધે છે તે વિસ્તારોને ચિહ્નિત કરીને, વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે.
ડાયવર્ઝન પર ખાસ ભાર મૂકવામાં આવશે અને ભીડનું દબાણ ન વધે તેની ખાતરી કરવામાં આવશે. ઘણા વધુ રૂટ એક તરફી બનાવવામાં આવી રહ્યા છે. સંગમ ખાતે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને પાંચ વધુ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવશે.