સરકાર બાદ ગરમી સામે લડવા ખેડૂતોની તૈયારી, ખેડૂતોએ દિવાલ બનાવતા પોલીસે કર્યા કેસ

કૃષિ કાયદાના વિરોધમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વરસાદ, ઠંડી સામે લડ્યા બાદ હવે ગરમીનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 10:07 AM, 15 Mar 2021
સરકાર બાદ ગરમી સામે લડવા ખેડૂતોની તૈયારી, ખેડૂતોએ દિવાલ બનાવતા પોલીસે કર્યા કેસ
Tikri border (PTI Photo)

હરિયાણાના સોનીપત જિલ્લામાં નેશનલ હાઈવે -44 પર પાક્કી દિવાલ બનાવવા અને બોરવેલ ખોદવાના આરોપમાં પોલીસે ખેડૂતો સામે બે અલગ અલગ કેસ નોંધ્યા છે. કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો માટેનું આ સ્થળ મુખ્ય આંદોલન સ્થળ માનવામાં આવે છે જે દિલ્હીથી સિંઘુ બોર્ડર નજીક આવેલું છે.

કુંડલી પોલીસ સ્ટેશનના પ્રભારી અને પોલીસ ઇન્સ્પેક્ટર રવિ કુમારે જણાવ્યું કે, “NH-44 પર પાક્કી દિવાલ બનાવવા અને બોરવેલ ખોદવા બદલ બે અલગ અલગ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે આ કેસ ભારતીય દંડ સંહિતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ નોંધાયા છે. આ મામલે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી અને સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા ફરિયાદો મળી હતી.

તેમણે કહ્યું કે, દિવાલો ઉભા કરવા અને બોરવેલ ખોદવાનું કામ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. કુમારે જણાવ્યું હતું કે કેસ નોંધાયા બાદ ઇંટની દિવાલ ઉભા કરીને અને બોરવેલ ખોદીને કાયમી માળખું ઉભું કરવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

આગ વરસાવતી ગરમીથી બચવા તૈયારી કરી રહ્યા છે ખેડૂતો

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતોએ સિંધુ બોર્ડરના પ્રદર્શન સ્થળ પર ઈંટની દિવાલથી માળખું ઉભું કરવાની કામગીરી શરૂ કરી હતી. સૂસવાટા ભરતા ઠંડા વાતાવરણ અને ભારે વરસાદનો સામનો કર્યા બાદ હવે ખેડૂતો ગરમીથી બચવા માટે આયોજન કરી રહ્યા છે. નોંધપાત્ર વાત છે કે મોટાભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડુતો ત્રણ મહિના કરતા વધુ સમયથી દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડરે પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ કૃષિ કાયદાઓ રદ કરવા અને પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની બાંયધરીની માંગ કરી રહ્યા છે.