દગાખોર ચીનની ગંદી રમત, મદદ માટે હાથ લંબાવ્યા બાદ, કાર્ગો વિમાનોને ભારત ના મોકલવા આદેશ

કાર્ગો ( cargo ) ફ્લાઇટ્સ મુલતવી રાખવાથી ચીની ઉત્પાદકોએ ઓક્સિજન સંબંધિત સાધનોના ભાવમાં 35 થી 40 ટકાનો વધારો કર્યો છે. પરીવહન-નૂર ખર્ચમાં પણ આશરે 20 ટકાનો વધારો કરાયો છે.

  • Bipin Prajapati
  • Published On - 10:04 AM, 27 Apr 2021
દગાખોર ચીનની ગંદી રમત, મદદ માટે હાથ લંબાવ્યા બાદ, કાર્ગો વિમાનોને ભારત ના મોકલવા આદેશ
ચીનની ગંદી કુટનીતિ, ભારતમાં આવતી વિમાની કાર્ગો સેવા 15 દિવસ માટે સ્થગીત કરતુ ચીન

દગાખોર ચીન, ભારતમાં કોરોનાને કારણે ઉભી થયેલી ગંભીર કટોકટીમાં પણ ગંદી રમત રમી રહ્યુ છે. એક તરફ મદદનો ડોળ કરી રહ્યું છે જ્યારે બીજી બાજુ મદદને ભારતમાં પહોચતા રોકવામાં આવી રહી છે.

ચીનની સરકારી માલિકીની વિમાની કંપની સિચુઆન એરલાઇન્સે તેની તમામ કાર્ગો (Cargo) ફ્લાઇટ્સને આગામી 15 દિવસ માટે ભારત ના જવા આદેશ આપ્યો છે. ચીનની વિમાની કંપનીના આવા પ્રતિબંધાત્મક આદેશથી, ભારત સ્થિત ખાનગી ઉત્પાદકો અને વેપારીઓને બેઇજિંગમાંથી ખૂબ જરૂરી ઓક્સિજન કોન્સ્ટ્રેટર અને અન્ય તબીબી સાધન સહાય મેળવવામાં મોટો અવરોધ ઉભો થયો છે. કોવિડ 19 ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ચીની સરકારે ભારતને સહાયની ઓફર કરી હોવા છતાં, સરકારી વિમાની કંપનીએ આ પગલું ભર્યું છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સિચુઆન એરલાઇન્સ દ્વારા ભારતમાં કાર્ગો ફ્લાઇટ મુલતવી રાખવા અંગેના સવાલોના જવાબમાં કહ્યું હતું કે, અમે ભારતમાં રોગચાળાની પરીસ્થિતિનું બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. કથળતી પરિસ્થિતિ માટે અમારી સહાનુભૂતિ ભારત સાથે છે.

અમે કહ્યું છે કે અમે કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની સાથે રહીને જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવા તૈયાર છીએ. આ અંગે ભારત અને ચીન બંને પક્ષોએ વાતચીત કરી રહ્યા છે.

કાર્ગો ફ્લાઇટ્સ મુલતવી રાખવાથી ચાઇનાથી ઓક્સિજન કોન્સ્ટ્રેટર ખરીદવાનો પ્રયાસ કરી રહેલા એજન્ટોને આંચકો લાગ્યો છે. એવી પણ ફરિયાદો છે કે ચીની ઉત્પાદકોએ ઓક્સિજન સંબંધિત સાધનોના ભાવમાં 35 થી 40 ટકાનો વધારો કર્યો છે. પરીવહન-નૂર ખર્ચમાં પણ આશરે 20 ટકાનો વધારો કરાયો છે.

ચીનના ઉત્પાદકો દ્વારા ભારતમાં મોકલાયેલ તબીબી પુરવઠોના ભાવમાં વધારો કરવાના પ્રશ્નના મુદ્દે વાંગે કહ્યું હતું કે, ભારત ચીન પાસેથી તબીબી પુરવઠો ખરીદવા માટે તૈયાર છે, હું સમજી શકું છું, આ એક વ્યાપારીક પ્રવૃત્તિ છે. વાંગે સિચુઆન એરલાઇન્સના ભારત માટેની કાર્ગો ફ્લાઇટ મોકૂફ રાખવાના નિર્ણય અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સિચુઆન એરલાઇન્સના ભાગરૂપે સિચુઆન ચુઆનહ લોગ લોજિસ્ટિક્સ કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ એજન્ટ દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, એરપોર્ટ ઝીઆન-દિલ્હી સહિત છ રૂટો પર તેની કાર્ગો સેવાઓને સ્થગિત કરાઈ રહી છે. સમાચાર સંસ્થાએ કરેલા દાવા મુજબ વિમાની કંપનીએ લખેલા પત્રમાં કહ્યું છે કે, ” ભારતમાં કોરોના રોગચાળોની સ્થિતિમાં અચાનક પરિવર્તન આવ્યુ છે. જેને ધ્યાનમાં રાખીને, બહારથી આવતા કોરોનાનું સંક્રમણના બનાવોને ઘટાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, આગામી 15 દિવસ માટે ફ્લાઇટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પત્રમાં લખ્યું છે, ‘ભારતીય માર્ગ હંમેશા સિચુઆન એરલાઇન્સનો મુખ્ય વ્યૂહાત્મક માર્ગ રહ્યો છે. હાલ કાર્ગો ફ્લાઈટ મુલતવી રાખવાથી અમારી કંપનીને ભારે નુકસાન થશે. આ યથાવત પરિસ્થિતિ માટે અમે માફી માંગીએ છીએ. ‘ પત્ર અનુસાર કંપની આગામી 15 દિવસમાં નિર્ણયની સમીક્ષા કરશે.