
દિલ્લી બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જાણકારી મુજબ, જે કારમાં વિસ્ફોટ થયો હતો તે કાર અગાઉ પૂલવામાના તારિકને વેચવામાં આવી હતી. એટલે કે, હવે આ કેસનો પૂલવામા કનેક્શન બહાર આવ્યું છે. તપાસ એજન્સીઓ તારિક અને તેના સંપર્કોમાં જોડાયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરી રહી છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ પૂલવામા અને દિલ્હી વચ્ચેના સંભવિત આતંકી નેટવર્કની તપાસ શરૂ કરી છે.
દિલ્હી વિસ્ફોટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આજે સાંજે લગભગ 7 વાગ્યે લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો. કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.”
દિલ્હી પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે, ગુરુગ્રામ પોલીસે સલમાનની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન, સલમાને ખુલાસો કર્યો કે તેણે દોઢ વર્ષ પહેલા દિલ્હીના ઓખલાના રહેવાસી દેવેન્દ્રને કાર વેચી હતી. સલમાને કાર સંબંધિત તમામ દસ્તાવેજો ગુરુગ્રામ પોલીસને સોંપી દીધા છે. તપાસ હવે ઓખલા ખસેડવામાં આવી છે, જ્યાં દેવેન્દ્રની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઓખલાના રહેવાસીએ કાર હરિયાણાના અંબાલામાં અન્ય વ્યક્તિને વેચી હતી. આ માહિતી બાદ, અંબાલા પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી છે.