Delhi Blast : વિસ્ફોટ થયેલી i20 કારનો 11 કલાકનો રૂટ મેપ જાહેર થયો, જાણો ક્યાથી ક્યા નિકળ્યો
સોમવારે દિલ્હીમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો. લાલ કિલ્લા પાસે બનેલી ઘટનામાં 1Oથી વધારે લોકોના મોત થયા હતા. વિસ્ફોટ થયેલી i20 કારનો રૂટ મેપ હવે જાહેર થયો છે. આ કાર ઉમર નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. તે ફરીદાબાદથી દિલ્હીમાં પ્રવેશ્યો હતો. જાણો આખી ઘટના વિશે.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસમાં પોલીસે વિસ્ફોટ થયેલી હ્યુન્ડાઈ i20 કારનો રૂટ મેપ મેળવ્યો છે. જેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે કાર લગભગ 11 કલાક પહેલા ફરીદાબાદથી લાલ કિલ્લા માટે નીકળી હતી અને રસ્તામાં ઘણી જગ્યાએથી પસાર થઈ હતી. CCTV ફૂટેજ આધારે, સોમવારે સવારે 7:30 વાગ્યે ફરીદાબાદની એશિયન હોસ્પિટલની બહાર કાર પહેલી વાર જોવા મળી હતી.
ત્યારબાદ કાર બદરપુર ટોલ પાર કરીને સવારે 8:13 વાગ્યે દિલ્હીમાં પ્રવેશી હતી. સવારે 8:20 વાગ્યે, કાર ઓખલા ઔદ્યોગિક વિસ્તાર નજીક પેટ્રોલ પંપ પાસે જોવા મળી હતી. બપોરે 3:19 વાગ્યે, કાર લાલ કિલ્લા સંકુલ નજીક પાર્કિંગમાં પ્રવેશી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી ત્યાં જ ઉભી રહી. સાંજે 6:22 વાગ્યે, કાર પાર્કિંગમાંથી નીકળીને લાલ કિલ્લા તરફ ગઈ. માત્ર 24 મિનિટ પછી, સાંજે 6:52 વાગ્યે, કાર આગળ વધી રહી હતી ત્યારે ભયાનક વિસ્ફોટ થયો.
કારનો નંબર શું છે?
જે કારમાં વિસ્ફોટ થયો હતો તેનો નંબર HR 26 CE 7674 છે. તે 29 ઓક્ટોબરના રોજ ખરીદવામાં આવી હતી.
i20 કાર ફરીદાબાદમાં રોયલ કાર જોન પાસેથી વેચવામાં આવી હતી. આ કાર પુલવામાના રહેવાસી તારિકે ખરીદી હતી. હાલમાં પોલીસે તારિકની અટકાયત કરી છે, અને દિલ્હી વિસ્ફોટ ફરીદાબાદ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.
પોલીસને શું શંકા છે ?
વિસ્ફોટમાં ડૉ. ઉમર મોહમ્મદની ભૂમિકા અંગે દિલ્હી પોલીસ જમ્મુ અને કાશ્મીર પોલીસના સંપર્કમાં છે. એ નોંધવું જોઈએ કે ગઈકાલે ફરીદાબાદમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) મોડ્યુલમાંથી મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું, અને જે i20 કારમાં વિસ્ફોટ થયો હતો તે પણ તે જ બાજુ બદરપુર સરહદથી દિલ્હીમાં પ્રવેશતી જોવા મળી હતી. તેથી, એવી શંકા છે કે મોડ્યુલનો ફરાર શંકાસ્પદ, ડૉ. ઉમર, કારમાં ડ્રાઇવર હતો.
પોલીસને શંકા છે કે ફરીદાબાદમાંથી 20 ટાઈમર મળી આવ્યા છે. i20 કાર લગભગ સાડા ત્રણ કલાક સુધી કેમ ઉભી રાખવામાં આવી હતી? પોલીસ તપાસ કરી રહી છે કે શું વિસ્ફોટમાં ટાઈમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
