રાહુલ ગાંધીની આગેવાની હેઠળ સંસદ ભવનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કૃષિ કાયદા રદ કરવાની કરી માંગ

વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, લોકસભાના સભ્ય મનીષ તિવારી, ગૌરવ ગોગોઈ, રવનીતસિંહ બિટ્ટુ, રાજ્યસભાના સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અન્ય ઘણા સાંસદોએ પણ ભાગ લીધો હતો.

  • Publish Date - 5:57 pm, Thu, 22 July 21 Edited By: Nidhi Bhatt
રાહુલ ગાંધીની આગેવાની હેઠળ સંસદ ભવનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કૃષિ કાયદા રદ કરવાની કરી માંગ
Rahul Gandhi

કોંગ્રેસે ગુરુવારે કેન્દ્ર સરકારને ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ (Farm Law) રદ કરવાની માંગ કરી હતી અને પક્ષના સાંસદો(MP )એ સંસદ(Parliament) પરિસરમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો  તેમજ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની આગેવાની હેઠળ કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, લોકસભાના સભ્ય મનીષ તિવારી, ગૌરવ ગોગોઈ, રવનીતસિંહ બિટ્ટુ, રાજ્યસભાના સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અન્ય ઘણા સાંસદોએ પણ ભાગ લીધો હતો.

 

કોંગ્રેસના સાંસદોએ ‘કાળા કાયદા પાછા લો’ અને ‘ પ્રધાનમંત્રી ન્યાય કરો’ ના નારા લગાવ્યા હતા. સાથે જ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ અસત્ય, અન્યાય, અહંકાર પર અડગ છે, અમે અહીં સત્યાગ્રહીઓ, નિર્ભય, એકજુટ અહીં ઉભા છીએ. જય કિસાન! ”

 

કોંગ્રેસના સભ્યો અને કેટલાક અન્ય વિરોધી પક્ષોએ ત્રણ કૃષિ કાયદાના વિરોધ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો, જેના કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. તેઓએ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

 

મુખ્ય વિપક્ષી પાર્ટીએ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની કરી માંગ

કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સંસદમાં આજે  મોદી સરકારને  સદ્બુધ્ધિ મળે અને અહંકારને છોડી દે. કૃષિ વિરોધી ત્રણેય કાળા કાયદાઓનો અંત થાય. ખેડૂતો જંતર-મંતર ખાતે આ ત્રણેય કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટીએ ચોમાસુ સંસદ સત્ર દરમિયાન કૃષિ કાયદાઓ રદ કરવાની માંગનું પુનરાવર્તન કર્યું છે.

 

ખેડૂતો અને સરકારની મંત્રણાઓનો નથી આવી રહ્યો કોઈ નિષ્કર્ષ

નોંધનીય વાત એ છે કે ગત વર્ષ નવેમ્બરથી દિલ્હીને અડીને આવેલી ટિકરી બોર્ડર, સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા રદ કરવામાં આવે અને લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી આપવામાં આવે. જોકે, સરકારનું કહેવું છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. સરકાર અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે અનેક તબક્કામાં કરવામાં આવેલી વાટાઘાટો નિરર્થક રહી છે.