આ મામલામાં 28 ઓગસ્ટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ડિબ્રુગઢથી આવેલી રાજધાની એક્સપ્રેસમાં છાપો મારવામાં આવ્યો હતો અને 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. DRIને આ લોકો પાસેથી સોનાનાં 504 બિસ્કીટ મળી આવ્યા હતા જેનું વજન 86 કિલો કરતા વધારે હતું જેની કિંમત 43 કરોડ રૂપિયા થવા જાય છે. આ તસ્કરીનાં સોનાને છુપાવવા માટે ખાસ પ્રકારનાં કપડા બનાવવામાં આવ્યા હતા કે જેમાં સોનાનાં બિસ્કીટ છાતી સાથે બંધાયેલા રહેતા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું કે 8 લોકો નકલી આધાર પર મુસાફરી કરી રહ્યા હતા.
આરોપીઓએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તે મ્યાંમારથી મણિપૂર, ગૌહાટી થઈ ને દિલ્હી સુધી આવ્યા હતા જ્યાંથી મુંબઈ અને કોલકાતાનાં અમુક લોકોને સપ્લાય કરવાનું હતું. આ સિન્ડીકેટ દેશનાં અલગ અલગ ભાગનાં ગરીબોને જલ્દીથી પૈસા કમાવાની લાલચ આપીને સ્મગલિંગ કરવા માટે પોતાની ગેંગમાં ભરતી કરી રહ્યા હતા. પકડાયેલા તમામ લોકો મહારાષ્ટ્રનાં સાંગલી વિસ્તારનાં રહેનારા છે. તપાસ એજન્સીને આ સિન્ડીકેટનાં માસ્ટરમાઈન્ડની હવે શોધ છે.