અયોધ્યામાં 23 જાન્યુઆરીથી તમામ દર્શનાર્થીઓ માટે ખુલી જશે રામમંદિરના દ્વાર, દિવસમાં ત્રણ વાર થશે ભગવાન રામલલાની આરતી, નોંધી લો દર્શનનો સમય
સમગ્ર દેશમાં ઉમંગ ઉત્સાહનો માહોલ છે. અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સમગ્ર દેશ રામભક્તિમાં લીન બન્યો છે. દરેક ઘરમાં ઉજવણીનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહમાં પીએમ મોદી સહિત અનેક નામી ગણનામી હસ્તીઓ સામેલ થઈ છે. આજે 22 જાન્યુઆરીએથી ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ રામ મંદિરનું ઉદ્દઘાટન થઈ ગયુ છે. ત્યારે આજના દિવસે આમ જનતા મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે. આમ જનતા માટે રામ મંદિરના દ્વાર ક્યારે ખુલશે તે પણ જાણી લો.

અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થયુ છે. આ વિશેષ કાર્યક્રમમાં દેશવિદેશમાંથી નામી ગણનામી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિશ્વભરના રામભક્તો હવે તેમના રામલલાના દર્શન માટે આતુર છે. રામ મંદિર આમ જનતા માટે મંગળવારે 23 જાન્યુઆરીથી ખોલી દેવામાં આવશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર સમિતિએ શ્રદ્ધાળુઓના દર્શન અને રામલલાની આરતી માટેનો સમય જાહેર કર્યો છે.
23 જાન્યુઆરીથી રામમંદિરમાં જનતા કરી શકશે દર્શન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ અનુસાર, રામલલાના દર્શન માટે દરરોજ અલગ-અલગ સમય અંતરાલ નક્કી કરવામાં આવ્યા છે. સવારે 7 થી 11.30 દરમિયાન ભક્તો ભગવાન શ્રી રામની મૂર્તિના દર્શન કરી શકશે. આ પછી ગર્ભગૃહના દરવાજા થોડા કલાકો માટે બંધ કરી દેવામાં આવશે. બપોરે 2 વાગ્યે ફરીથી દરવાજા ખુલશે અને ભક્તો સાંજે 7 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે.
અયોધ્યા રામ મંદિર આરતીનો સમય
મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની મૂર્તિની આરતી દરરોજ બે વખત કરવામાં આવશે. દરરોજ સવારે 6.30 કલાકે જાગરણ અને શ્રૃંગાર આરતી કરવામાં આવશે. સાંજે 7.30 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે. આરતી દરમિયાન સામાન્ય લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો કોઈ ભક્ત આરતીના દર્શન કરવા ઈચ્છે તો તેમના માટે ખાસ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાસ તીર્થક્ષેત્રની ની વેબસાઈટ પરથી ઓનલાઈન અને જન્મભૂમિ સ્થિત કેમ્પ ઓફિસમાંથી ઓફલાઈન પણ મેળવી શકાય છે. ભક્તોએ પાસ માટે માન્ય ઓળખપત્ર દર્શાવવું ફરજિયાત રહેશે.
આરતીનો સમય
- શૃંગાર આરતી- સવારે 6.30 કલાકે
- ભોગ આરતી- બપોરે 12 કલાકે
- સંધ્યા આરતી- સાંજે 7.30 કલાકે
કેવી રીતે થશો આરતીમાં સામેલ ?
મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની મૂર્તિની દરરોજ બેવાર આરતી થશે. જાગરણ અને શૃંગાર આરતી રોજ સવારે 6.30 વાગ્યે થશે. જ્યારે સાંજે 7.30 વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે. આરતીના સમયે આમ જનતાને મંદિરમાં પ્રવેશની છૂટ નહીં હોય. જો કોઈ ભાવિકે આરતીના દર્શન કરવા હશે તો તેના માટે વિશેષ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. રામ મંદિરની દેખરેખની જવાબદારી શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવી છે. જેની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ છે. અયોધ્યામાં રામ મંદિરની આરતીમાં સામેલ થવા માટે આ ટ્રસ્ટ પાસેથી પાસ મેળવવાનો રહેશે. પાસ મેળવ્યા બાદ તમારી પાસે વેલિડ આઈડી પ્રુફ હોવુ જરૂરી છે. જ્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા મુજબ એક વારમાં માત્ર 30 લોકો આરતીમાં સામેલ થઈ શકશે.
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન માટે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. જ્યારે આરતીમાં સામેલ થવા માટે પાસ હોવો જરૂરી છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે. રોજ એક લાખથી દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરે તેવી શક્યતા છે. તેના માટે રામનગરીમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં હોટેલ, ધર્મશાળા શરૂ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તેની સંખ્યા પણ વધશે.
