જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ટીવી કલાકાર અમરીન ભટ (Amreen Bhat) ની જઘન્ય હત્યાનો મામલો 24 કલાકમાં જ ઉકેલાઈ ગયો છે. આઈજીપી કાશ્મીરે આ જાણકારી આપતા કહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં 3 દિવસમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં જૈશ-એ-મોહમ્મદના 3 અને લશ્કર-એ-તૈયબાના 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. આઈજીપી કાશ્મીરે કહ્યું કે માર્યા ગયેલા બંને સ્થાનિક આતંકવાદીઓની ઓળખ શાહિદ મુશ્તાક ભટ અને ફરહાન હબીબ તરીકે થઈ છે. આ બન્ને આતંકવાદીઓએ લશ્કરના કમાન્ડર લતીફની સૂચના પર ટીવી કલાકાર અમરીન ભટની હત્યા કરી હતી. એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી એક AK 56 રાઈફલ, 4 મેગેઝીન અને એક પિસ્તોલ મળી આવી છે.
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, “ગઈ રાત્રે શ્રીનગરમા 2 એન્કાઉન્ટર થયા હતા જેમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી એક AK-47 અને એક પિસ્તોલ મળી આવી છે. અવંતીપોરા એન્કાઉન્ટરમાં ટીવી એક્ટર અમરીન ભટની હત્યા કરનારા લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 10 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં 7 લશ્કર-એ-તૈયબાના જ્યારે જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે શ્રીનગરના સૌરા વિસ્તારમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ શાકિર અહેમદ વાઝા અને આફરીન આફતાબ મલિક તરીકે થઈ છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. ટીવી અભિનેત્રીની હત્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ અવંતીપોરામાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ તેજ કરી દીધી હતી. આતંકવાદીઓના નિશાના પર હત્યાનો ભોગ બનેલી અમરીન ભટ, કાશ્મીરની ટીવી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર હતી.