સરકારે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં ઓછી વિઝિબિલિટીના કારણે 64 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં ગોપાલજી ઠાકુરના પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. ગોપાલજી ઠાકુરે પૂછ્યું હતુ કે શું શિયાળા દરમિયાન દરભંગા એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીને કારણે એરક્રાફ્ટની અવરજવર પર અસર પડી હતી. તેમણે મુસાફરોને પડતી મુશ્કેલીઓની વિગતો પણ માંગી હતી.
આના પર સિંધિયાએ કહ્યું, “શિયાળાના સમયપત્રક 2022-23 દરમિયાન, ઓછી વિઝિબિલિટીના કારણે 64 વિમાનોની અવરજવર રદ કરવામાં આવી હતી.” નાગરિક ઉડ્ડયન પ્રધાને માહિતી આપી હતી કે દરભંગા એરપોર્ટ, ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છે. ભારતીય વાયુસેના અને ભારતીય એરપોર્ટ ઓથોરિટી અહીં સિવિલ એન્ક્લેવની જાળવણી કરે છે.
તેમણે માહિતી આપી હતી કે, ભારતીય વાયુસેના પાસેથી મળેલી માહિતી અનુસાર, એરસ્ટ્રીપના આધુનિકીકરણના પ્રોજેક્ટ હેઠળ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લેન્ડિંગ સિસ્ટમ સાથે કેટેગરી-2 કનેક્ટેડ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. સિંધિયાએ કહ્યું કે દરભાગા એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રનવે, ટેક્સી ટ્રેક, રનવેના અંત સુધી સુરક્ષિત વિસ્તાર, બ્લાસ્ટ પેડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સરકારે માહિતી આપી હતી કે ગયા વર્ષે સ્થાનિક એરલાઇન્સને એરક્રાફ્ટની ઓપરેશનલ ટેકનિકલ ખામીની 546 ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. આ માહિતી નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન વીકે સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. ઈન્ડિગોએ 215, સ્પાઈસજેટ 143 અને વિસ્તારાએ 97 ટેકનિકલ ખામીઓની આ ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર, એર ઈન્ડિયાએ આવી 64 ઘટનાઓનો સામનો કરવો પડ્યો, GoFirst 7 અને આકાશે 6 ઘટનાનો સામનો કર્યો છે. વર્ષ 2022માં એર એશિયામાં 8, એલાયન્સ એરમાં 3, ફ્લાય બિગમાં 1, ટ્રુ જેટમાં 1 અને બ્લુ ડાર્ટ એવિએશનમાં 1 ઘટના નોંધાઈ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સે છેલ્લા બે વર્ષમાં 1,090 ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો છે.
ગયા વર્ષે ફ્લાઈંગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટને લગતા આઠ અકસ્માતો નોંધાયા હતા. અને તેમાંથી એક અકસ્માતની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન વીકે સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે 2022માં FTO એરક્રાફ્ટ સાથે સંકળાયેલા આઠ અકસ્માતો નોંધાયા હતા. વિમાન અકસ્માતોની તપાસ ‘એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો’ દ્વારા કરવામાં આવે છે. વી કે સિંહના જણાવ્યાનુસાર, બેંગલુરુના જક્કુર એરોડ્રોમમાં 21 એપ્રિલ, 2022 ના રોજ બનેલી ઘટનાના કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં, દેશમાં 53 કેન્દ્રોમાં 35 ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (FTOs) કાર્યરત છે. જેને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.