નેશનલ કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા શરદ પવારની હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. દિવાળી દરમિયાન પણ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઓછામાં ઓછા 100 જેટલા ફોન આવ્યા હતા. આ વખતે, શરદ પવારની હત્યા કરવા અંગેની ધમકી બાબતે મુંબઈના ગાવદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મુંબઈ પોલીસે ધમકી આપનારનો ફોન ટ્રેસ કરીને બિહાર જઈને આરોપી નારાયણ સોનીની ધરપકડ કરી છે. નારાયણ સોની સામે IPCની કલમ 294, 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલ વિગત અનુસાર, આરોપી નારાયણની માનસિક સ્થિતિ સારી નથી લાગી રહી. આરોપી છેલ્લા દશ વર્ષથી પત્નિ સાથે પુણેમાં રહેતો હતો. પરંતુ નારાયણની પત્નિએ, નારાયણને છોડીને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગે શરદ પવારે દરમિયાનગીરી ના કરી હોવાનુ આરોપી સતત રટણ કરતો હતો. શરદ પવારે મદદ ના કરી હોવાની ફરિયાદને લઈને નારાજ નારાયણ સોનીએ, શરદ પવારને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવારના મુંબઈના સિલ્વર ઓક સ્થિત નિવાસસ્થાને, ગત સપ્તાહે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે મુંબઈ પોલીસે શરદ પવારની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. ગત 2 ડિસેમ્બરે, શરદ પવારના અંગત સચિવ સતીશ રાઉતે પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે, નારાયણ સોની નામની વ્યક્તિ, શરદ પવારને વારંવાર ફોન કરીને હેરાન પરેશાન કરે છે. આ પછી, ગાંવદેવી પોલીસ સ્ટેશનની પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીનો ફોન નંબર ટ્રેસ કર્યો હતો. ફોન ટ્રેસ કરતા જાણવા મળ્યું કે આરોપી બિહાર રાજ્યમાં છે. આ પછી મુંબઈ પોલીસે બિહાર જઈને આરોપી નારાયણ સોનીને પકડી લીધો. મુંબઈ પોલીસ આજે આરોપી નારાયણને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે.
આરોપી નારાયણ સોની છેલ્લા ચાર-પાંચ મહિનાથી, એનસીપીના વડા શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. આ વખતે શરદ પવારના જન્મદિવસના બીજા જ દિવસે ધમકી આપી હતી. આરોપી નારાયણ સોનીએ કહ્યું કે, તે દેશી તંમચા સાથે મુંબઈમાં આવશે અને શરદ પવારને જાનથી મારી નાખશે.