શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેને ફરી મોટો ઝટકો, શિંદે જૂથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર કર્યો કબજો

વિધાનસભા બાદ મહાનગરપાલિકામાં પણ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના (Shiv Sena) 67માંથી 66 કોર્પોરેટરોએ શિંદે જૂથ સાથે હાથ મિલાવ્યા છે. મળતી માહિતી મુજબ, આ તમામ 66 કોર્પોરેટરો બુધવારે શિંદેને મળ્યા હતા.

શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેને ફરી મોટો ઝટકો, શિંદે જૂથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર કર્યો કબજો
Uddhav Thackeray (File Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 07, 2022 | 1:01 PM

મહારાષ્ટ્ર વિધાનસભા બાદ, થાણે મહાનગરપાલિકામાં પણ શિવસેનાને ફટકો પડ્યો છે. થાણે મહાનગરપાલિકાના 67 કોર્પોરેટરોમાંથી 66 કોર્પોરેટરો શિવસેનાને છોડીને એકનાથ શિંદે જૂથમા ભળી ગયા છે. થાણેના આ તમામ કોર્પોરેટરો ગઈકાલ બુધવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. છેલ્લા થોડા દીવસોમાં મહારાષ્ટ્રમાં ચાલેલા રાજકીય સંકટ બાદ શિવસેનાના (Shiv Sena) નેતા ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) પોતાની સત્તા ગુમાવવી પડી હતી. ઉદ્ધવના સ્થાને ભાજપના સાથથી એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. ઉદ્ધવ ઠાકરે ઉપર હવે તેમના પક્ષ શિવસેનાને બચાવવા માટે ઘણું દબાણ છે કારણ કે શિંદે જૂથ સતત પક્ષ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

થાણેથી જ થઈ હતી એકનાથ શિંદેની રાજકીય કારકીર્દીની શરૂઆત

થાણેમાં એકનાથ શિંદેની મજબૂત પકડ માનવામાં આવે છે. તેમની રાજનીતિની શરૂઆત પણ તેમણે અહીંથી કરી હતી. તેઓ 1997માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલરની ચૂંટણી જીત્યા હતા. તેઓ 2001માં મહાનગરપાલિકા ગૃહમાં વિપક્ષના નેતા પણ હતા. આ પછી, 2002 માં, તેઓ બીજી વખત થાણેથી કોર્પોરેશન કાઉન્સિલર બન્યા. એકનાથ શિંદે 2004ની ચૂંટણીમાં થાણે વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. આ પછી, તેમણે 2009, 2014 અને 2019 માં થાણેની કોપરી પછપાખડી બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

શિવસેના સામે બળવો કરીને બન્યા CM

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો બાદ એકનાથ શિંદેએ બળવો કર્યો હતો. તેઓ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. અહીંથી તેઓ ગુવાહાટી પહોંચ્યા. અહીં શિવસેનાના અન્ય બળવાખોર ધારાસભ્યો પણ તેમના કેમ્પમાં પહોંચ્યા હતા. શિવસેનામાં ભંગાણને કારણે ઉદ્ધવની આગેવાની હેઠળની સરકાર પડી ગઈ હતી. આ પછી એકનાથ શિંદે ભાજપના સમર્થનથી રાજ્યના સીએમ બન્યા છે. તે જ સમયે, દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ છે. એકનાથ શિંદેની છાવણીમાં 50 ધારાસભ્યો છે. જેમાં શિવસેનાના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર ઘણા આક્ષેપો પણ કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, છેલ્લા ઘણા દીવસોથી ઉદ્ધવ ઠાકરેને મળવાના પ્રયત્નો કરી રહ્યા હતા. વિવિધ પ્રશ્નોની રજુઆત કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમના દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી હતી. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આ લડાઈ સત્તાની નહી, પરંતુ હીન્દુત્વની લડાઈ છે. તેમજ તેમણે એમ પણ દાવો કર્યો હતો કે, પોતાનું જુથ જ અસલી શિવસેના છે. જેના કારણે રાજકારણ ગરમાયુ હતુ અને એવા પણ સવાલ ઉભા થયા અસલી શિવસેના કોની ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati