મહારાષ્ટ્રમાં શિવસેનાનો (Shivsena) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) સમર્થનમાં 4682 એફિડેવિટ (affidavit) મળ્યા હોવાના અહેવાલ છે. આ તમામ એફિડેવિટ બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની બહાર એક દુકાનમાં રાખવામાં આવ્યા હતા. આ અંગે BARCના નિવૃત્ત અધિકારીએ નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે છેતરપિંડી અને બનાવટની કલમ હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે અને તપાસ માટે ફાઇલ ક્રાઇમ બ્રાન્ચને મોકલી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ એફિડેવિટ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથના સમર્થનમાં લખવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની બહાર એક દુકાનમાં આ એફિડેવિટ જોયા બાદ BARCના નિવૃત્ત અધિકારી સંજય કદમે નિર્મલ નગર પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે અજાણ્યા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે બનાવટ, છેતરપિંડી સહિતની અન્ય કલમો હેઠળ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ સાથે આ કેસની ફાઈલ ઉચ્ચ સ્તરીય તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને મોકલી આપવામાં આવી છે.
શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથના સમર્થનમાં લખેલા આ તમામ સોગંદનામાને નકલી ગણાવ્યા છે. આ સાથે શિંદે જૂથે પણ ઉદ્ધવ પર નિશાન સાધ્યું છે. થાણેના પૂર્વ મેયર નરેશ મ્હસ્કે આ પ્રકરણ પર ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. મ્હસ્કે શિંદે જૂથના પ્રવક્તા પણ છે. તેમણે આ સોગંદનામાને ઉદ્ધવ જૂથની એક ષડયંત્ર ગણાવ્યુ છે. તેમણે આ મામલે કેસ નોંધવા બદલ પોલીસનો આભાર માન્યો છે.
તમને જણાવી દઈએ કે સાચુ શિવસેના જુથ કયુ તે બાબતને લઇને બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હાલમાં કોર્ટમાં છે. બીજી તરફ સ્થિતિને જોતા ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન તીર કમાન જપ્ત કરી લીધું છે. તો મૂળ શિવસેનાથી અલગ થયેલા શિંદે જૂથ અને ઠાકરે જૂથને અન્ય ચૂંટણી પ્રતીક પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એવી આશંકા છે કે આ તમામ સોગંદનામા ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ચૂંટણી પંચમાં રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેની પાછળનો ઈરાદો એ હતો કે ચૂંટણી પંચ ઠાકરે જૂથને વાસ્તવિક શિવસેના ગણે.