મુંબઈ: કોવિડ-19ને કારણે રાજ્યમાં શાળાઓ પૂર્ણ સમય ચાલુ રહી શકી નથી. જોકે, વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ન થાય તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. જો કે, ધોરણ 10 અને 12નું વર્ષ વિદ્યાર્થીઓ માટે મહત્વનું અને તેમની કારકીર્દી માટે નિર્ણાયક પણ હોય છે. ત્યારે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, મહારાષ્ટ્ર દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોના પ્રકારો જાણવા અને પ્રેક્ટિસ કરવા માટે વિષયવાર પ્રશ્નપત્રો વિકસાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્રોનો લાભ લેવો જોઈએ. વર્ષા ગાયકવાડને વિશ્વાસ છે કે આ પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવામાં અને પરીક્ષા આપવા માટે મદદ કરશે. આ સાથે જ ગાયકવાડે એમ પણ કહ્યું કે આ પ્રશ્નપત્રો વેબસાઈટ www.maa.ac.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
છેલ્લા બે વર્ષમાં ઓનલાઈન લર્નિંગને કારણે વિદ્યાર્થીઓની લેખન પ્રેક્ટિસ ઘટી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મેટથી માહિતગાર કરવા, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે ખાલી જગ્યાઓ, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો વગેરે માટે એક પ્રશ્નપત્ર ગોઠવવાની વાલી મંડળો તરફથી સતત માગ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રોના જવાબ લખવાની પ્રેક્ટિસ પણ કરી શકે.
આ માંગણી સામે, પ્રશ્નપત્ર વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરનો માનસિક બોજ ઓછો કરવા બોર્ડે આ વર્ષે અભ્યાસક્રમ ઘટાડવાની સાથે પરીક્ષાનો સમય વધારવાનો પણ નિર્ણય કર્યો છે.
આ પ્રશ્નાવલિ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા દરેક વિષયની પ્રેક્ટિસ કરવામાં મદદ કરવાના હેતુથી તૈયાર કરવામાં આવી રહી છે, જેથી તેઓ પરીક્ષામાં જતા પહેલા સ્વ-અભ્યાસ કરી શકે અને તેમનો આત્મવિશ્વાસ વધી શકે. આ પ્રશ્નપત્રો વેબસાઈટ www.maa.ac.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, એમ શાળા શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષાની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુંબઈના ધારાવીમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના ઘર પર હજારો વિદ્યાર્થીઓએ અચાનક ઘેરાવો કર્યો હતો. આ પછી શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી કે તેઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરશે.