શું પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે ? જાણો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કહ્યું

નીતિન ગડકરીએ કહ્યું, હું આવતા મહિને એક કાર ખરીદવાનો છું, જે હાઇડ્રોજન પર ચાલશે. ભવિષ્ય હાઇડ્રોજન ઇંધણનું જ છે.

શું પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે ? જાણો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું કહ્યું
Nitin Gadkari

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને તેનાથી થતા પ્રદુષણને કારણે ઈલેક્ટ્રિક વાહનોની (Electric Vehicle) માગ ઝડપથી વધી રહી છે. ભારત સરકાર (Government of India) ઇલેક્ટ્રિક વાહનોને પણ ઘણું પ્રોત્સાહન આપી રહી છે. આ રીતે જુની ગાડિઓ (Old Car) અને પરંપરાગત ઈંધણથી ચાલતી ગાડીઓ પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર દ્વારા નવા નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. વાહન સ્ક્રેપ પોલિસી પણ લાગુ છે.

વૈકલ્પિક ઇંધણ તરીકે ઇથેનોલને અપનાવવા પર પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવ સ્થિતિમાં સવાલ એ ઊભો થયો છે કે, શું સરકાર આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકશે? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આ મામલે સરકારની નીતિ સ્પષ્ટ કરી છે.

ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ (ICC)ના એક કાર્યક્રમને સંબોધતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો બંધ નહીં થાય પરંતુ ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું પણ નહીં, પરંતુ હાઇડ્રોજનથી (Hydrogen Fuel) ચાલતી કારનું છે. નીતિન ગડકરી આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “સરકાર ઈલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોનું રજિસ્ટ્રેશન બંધ થશે નહીં.

જ્વલનશીલ અને પરંપરાગત ઇંધણ પર ચાલતા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં. એ વાત સાચી છે કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. આ સિવાય ઇથેનોલ, બાયો-એલએનજી અને અન્ય ગ્રીન એનર્જીના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેને ફરજિયાત બનાવવા માટે કોઈ દબાણ નથી.

હું હાઈડ્રોજન ઈંધણવાળી કાર ખરીદવા જઈ રહ્યો છું

નીતિન ગડકરીએ કહ્યું, ‘હું આવતા મહિને એક કાર ખરીદવાનો છું, જે હાઇડ્રોજન પર ચાલશે. ભવિષ્ય ફક્ત હાઇડ્રોજન ઇંધણનું છે. આ સાથે અમારો એ પણ પ્રયાસ છે કે વિમાનોના ઈંધણમાં 50 ટકા ઈથેનોલનો ઉપયોગ કરવો જોઈએ.

ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) સસ્તા થશે

કાર્યક્રમમાં નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક અને વૈકલ્પિક ઇંધણવાળા વાહનો સસ્તા થશે. તેમણે કહ્યું કે દેશમાં 250 સ્ટાર્ટઅપ કંપનીઓ ઈ-વ્હીકલ પર કામ કરી રહી છે. જેના કારણે ઈલેક્ટ્રિક વાહનોની કિંમતો ટૂંક સમયમાં નીચે આવશે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનો અને પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોની કિંમતો સમાન રહેશે.

 

આ પણ વાંચો :  PM Kisan Scheme : પીએમ કિસાન સન્માન નિધિના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે જમા

Click on your DTH Provider to Add TV9 Gujarati