My India My Duty: ખાડાને કારણે પુત્રનો ગયો જીવ તો પુરા શહેરમાં ખાડા પુરવા નીકળ્યા પિતા, નામ મળ્યું ‘Pothole Dada’

રસ્તાઓ પર જ્યારે આપણે આપણા બાઈક-કાર ચલાવીએ અને જેવો ખાડો આવે કે આપણે વાહનની ગતિ ધીમી કરીએ છીએ અને ખાડાના કિનારેથી વાહનને પસાર કરીએ છીએ.

My India My Duty: ખાડાને કારણે પુત્રનો ગયો જીવ તો પુરા શહેરમાં ખાડા પુરવા નીકળ્યા પિતા, નામ મળ્યું 'Pothole Dada'
દાદારાવ બીલ્હોરે 'Pothole Dada'

રસ્તાઓ પર જ્યારે આપણે આપણા બાઈક-કાર ચલાવીએ અને જેવો ખાડો આવે કે આપણે વાહનની ગતિ ધીમી કરીએ છીએ અને ખાડાના કિનારેથી વાહનને પસાર કરીએ છીએ. આપણા બધાના ગામ, શહેરના વિસ્તારમાં રસ્તા પણ ઘણા ખાડાઓ દેખાય છે. આપણે જ્યારે આવા ખાડાવાળા રસ્તેથી પસાર થઈએ ત્યારે વાહનનું એક્સલરેટર છોડીને બ્રેક લગાવીએ છીએ અને સરકાર તેમજ પ્રશાસનને જવાબદાર ગણાવતા નીકળી જઈએ છીએ પણ શું આટલું પુરતુ છે? શું આપને ખરેખર દેશ અને સમાજ પ્રત્યે આપણી જવાબદારીઓને સમજીએ છીએ ? કદાચ નહીં..

 

દેશ પ્રત્યે સૌથી મોટો ધર્મ હોય છે નાગરિકતાનો ધર્મ. સરકારી વ્યવસ્થાને કારણે પોતાના દીકરાને ગુમાવનાર એક પિતા કેટલાય વર્ષોથી સારી રીતે આ ધર્મને પાળે છે. એક ખાડાને કારણે પોતાના દીકરાને હંમેશા માટે ખોઈ દેનારા મુંબઈના દાદારવ બીલ્હોરેએ એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન છે મુંબઈના રસ્તાઓ પર દેખાતા તમામ ખાડાઓ ભરવાનું. આ અભિયાનને કારણે દેશ આજે દાદારવ બીલ્હોરેને ‘Pothole Dada’ના નામથી ઓળખે છે, જે અન્ય માતાપિતાને તેમના દીકરાને ગુમાવવાથી બચાવી રહ્યા છે.

 

 

 

આંસુ લુછ્યાં અને મુંબઈના રસ્તાઓ પર નીકળી પડ્યા

28 જુલાઈ 2015ના રોજ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. દાદારવ બીલ્હોરેનો 16 વર્ષનો દીકરો પ્રકાશ કોલેજમાં એડમિશન પ્રક્રિયા પૂરી કરીને બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. પ્રકાશની સાથે તેનો પિતરાઈ ભાઈ રામ હતો, જે બાઈક ચલાવી રહ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ બન્ને જે બાઈક પર સવાર હતા તેનું ટાયર એક ખાડામાં ભરાયું અને બંને બાઈક સાથે રસ્તા પર પડ્યા.

 

રામને હેલમેટે બચાવી લીધો પણ પ્રકાશ બચી ન શક્યો. દાદારવ બીલ્હોરે પોતાનો આશાસ્પદ દીકરો ખોઈ બેઠા. પ્રકાશના મૃત્યુ બાદ પિતા દાદારવ બીલ્હોરેએ આંસુ લુછ્યાં અને મુંબઈના રસ્તાઓ પર ખાડાઓ પુરવા એકલા જ નીકળી પડ્યા. બાદમાં એમને ઘણા લોકોએ સહાકાર આપ્યો અને મુંબઈએ તેમને નામ આપ્યું ‘Pothole Dada’.

 

બીજાના દીકરા સાથે આવું નહીં થવા દઉં

લગભગ 6 વર્ષ પહેલા એકલા જ જીવલેણ ખાડાઓને પુરવા નીકળેલા દાદારવના અભિયાનથી ઘણું પરિવર્તન આવ્યું. Tv9 સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, 2015માં તેમણે આ કામ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 1,400થી વધારે ખાડા પુરી ચુક્યા છે. દાદારાવ અઠવાડિયામાં પાંચ દિવસ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને બે દિવસ ખાડાઓ પુરવાનું કામ કરે છે. ખાડાઓ પુરવાનું કામ તેઓ સવારના સમયે કરે છે, કારણે કે ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક હોતો નથી. દાદારવના કામથી પ્રેરાઈને મુંબઈના લોકો પણ તેમની સાથે જોડાયા છે અને ખાડાઓ પુરવામાં તેમની મદદ કરે છે.

 

દાદારવ કહે છે કે BMC તરફથી અત્યાર સુધીમાં તેમને કોઈપણ પ્રકારની મદદ મળી નથી. તેઓ કહે છે કે અમે સરકાર અને BMC સાથે મળીને કામ કરવા માંગીએ છીએ પણ હજી સુધી આ શક્ય નથી બન્યું. અમે એમની મદદથી આ કામને દેશભરમાં શરૂ કરવા ઈચ્છીએ છીએ.

 

ક્યાંથી આવે છે આ કામ માટેના પૈસા?

દાદારવ બીલ્હોરે કહે છે કે તેમને પુરસ્કાર રૂપે જે કંઈ પૈસા મળે છે તે બધા તેઓ આ કામમાં લગાવી દે છે. ઘણા લોકો પાસેથી મદદ પણ મળી છે. ગયા વર્ષે તેમણે પોતાના દીકરાના નામે પ્રકાશ ફાઉન્ડેશનનું નિર્માણ કર્યું હતું, જેના દ્વારા તેઓ મુંબઈ અને મુંબઈની બહાર થાણે અને પુણેના રસ્તાઓ પર ખાડાઓ પુરવાનું કામ કરે છે. દાદારવ કહે છે કે તેઓ દરરોજ 100 રૂપિયા પોતાના દીકરાના નામે જમા કરે છે અને કહે છે કે તેઓ એમ સમજે છે કે આ પૈસા તેઓ તેમના દીકરાને પોકેટ મની તરીકે આપી રહ્યાં છે.

 

તેઓ કહે છે કે ખાડાઓ પુરવા અમારા પર ફોન આવે છે અને અમે કહીએ છીએ કે રવિવારે આવીને તમારા રસ્તા પરના તમામ ખાડાઓ પુરી દઈશું. અમે ખાડાઓ પુરવામાં સૌથી સારું મટીરીયલ વાપરીએ છીએ. BMC જે મટીરીયલનો ઉપયોગ કરે છે એ જ મટીરીયલ અમારું ફાઉન્ડેશન વાપરે છે.

 

ખાડાઓને કારણે માર્ગ અકસ્માતના આંકડા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વાર્ષિક અકસ્માત રીપોર્ટ અનુસાર વર્ષ 2019માં ખાડાઓને કારણે માર્ગ અકસ્માતમાં 2,140 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ મૃત્યુમાં 6.2%નો વધારો થયો હતો. સુપ્રીમ કોર્ટે થોડાક વર્ષો પહેલા કહ્યું હતું કે દેશની સરહદે ગોળીબાર કે આતંકવાદી ઘટનાઓમાં જેટલા લોકો મૃત્યુ નથી પામતા તેનાથી ઘણા વધારે લોકો ખાડાના કારણે થતા અકસ્માતમાં મૃત્યુનો શિકાર બને છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati