ભગવાન રામને માંસાહારી ગણાવનારા NCPના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડ સામે નોંધાઈ ચોથી FIR, રામભક્તોમાં ભારોભાર રોષ

મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના NCP ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડની મુશ્કેલીઓ વધી રહી છે. ભગવાન રામને માંસાહારી ગણાવી આપત્તિજનક ટિપ્પણી કરનારા જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ ચોથી FIR નોંધાઈ છે. મીરા ભાયંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધાઈ છે.

ભગવાન રામને માંસાહારી ગણાવનારા NCPના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડ સામે નોંધાઈ ચોથી FIR, રામભક્તોમાં ભારોભાર રોષ
| Updated on: Jan 06, 2024 | 10:09 PM

મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રહી ચુકેલા જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ ચોથી FIR નોંધવામાં આવી છે. મીરા ભાયંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધાઈ છે. પોલીસે IPCની કલમ 295(A) અંતર્ગત ફરિયાદ નોંધી છે.

જીતેન્દ્ર આવ્હાડે હાલમાં જ ભગવાન રામને લઈને વિવાદી નિવેદન આપ્યુ હતુ. જેમાં તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે ભગવાન રામ ક્ષત્રિય હતા અને માંસાહાર કરતા હતા. જ્યારે આ વાતને લઈને વિવાદ થયો, ત્યારે પણ તેઓ તેમની વાત પર કાયમ રહ્યા અને તેમણે એવી દલીલ આપી હતી કે રામ માંસાહારી હતા અને માંસાહાર કરતા હતા શું તેઓ માંસાહારી નહોંતા તો મેથીની ભાજી ખાતા હતા?

તેવો વળતો સવાલ તેમણે મીડિયા સમક્ષ કર્યો હતો. તેમના આ નિવેદન બાદથી ચારેબાજુથી તેમનો વિરોધ શરૂ થઈ ગયો અને સહયોગી દળોએ પણ તેમનાથી કિનારો કર્યો ત્યારબાદ તેમણે તેમના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. જો કે તેમના આ પ્રકારના આપત્તિજનક નિવેદનથી અનેક રામભક્તોની આસ્થાને ઠેંસ પહોંચી છે અને તેમની સામે કાર્યવાહીની માગ ઉઠી રહી છે.

કરોડો હિંદુઓની આસ્થા જેમની સાથે જોડાયેલી છે તે ભગવાન રામ વિશે આ પ્રકારની વિવાદી ટિપ્પણી કરતા તેમની સામે પહેલા જ ફરિયાદ નોંધવામાં આવી હતી. શરદ પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા જીતેન્દ્ર આવ્હાડ લામે શુક્રવારે અંધેરીના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. શુક્રવારે પૂણે શહેરમાં પણ તેમની સામે FIR નોંધાઈ હતી. આવ્હાડ ઠાણે જિલ્લાના મુંબ્રા કલવા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

આવ્હાડ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મુંબઈમાં VHP નેતા ગૌતમ રાવરિયાની ફરિયાદને આધારે NCP નેતા આવ્હાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે એનસીપી નેતાને એક ચેનલને પર ભગવાન રામ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપતા સાંભળ્યા હતા.

તેમણે જણાવ્યુ કે આવ્હાડ પર IPCની કલમ 295 (A) (કોઈપણ વર્ગ કે ધર્મ કે ધાર્મિક ભાવનાનું અપમાન કરવુ, જે તે વ્યક્તિની ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાના ઈરાદાથી જાણીજોઈને કરેલુ કૃત્ય) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

શ્રીમ રામ પર વિવાદી નિવેદનથી વિવાદ

ત્રણ દિવસ પહેલા આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદી નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે તેઓ શિકાર કરતા હતા અને માંસ ખાતા હતા. તે અમારા છે. બહુજનોના છે. અને તમે (ભાજપ પર નિશાન તાકતા) અમને શાકાહારી બનાવી રહ્યા છે. બહુજન શબ્દ પ્રયોગ મહારાષ્ટમાં સમાજના બિન બ્રાહ્મણ વર્ગને દર્શાવે છે.

આ પણ વાંચો: ખરગેએ ફરી કર્યા પીએમ મોદીની યાત્રા પર સવાલ, કહ્યું લક્ષદ્વીપ જઈ શકે છે પરંતુ મણિપુર નહીં

જો કે ધારાસભ્યે બાદમાં જણાવ્યુ કે જો કોઈની ભાવના આહત થઈ હોય તો તેઓ ખેદ વ્યક્ત કરે છે. પોલીસે જણાવ્યુ કે પૂણેમાં પણ ભાજપના શહેર પ્રમુખ ધીરજ ઘાટેએ પણ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે આવ્હાડ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો