પાણીપુરીની શોધ દ્રૌપદીએ કરી હતી ? એ પણ સાસુએ ચેલેન્જ આપી પછી, બોલો !

પુચકા, ફૂલકી, ગોલગપ્પા તરીકે જાણીતી અને ગુજરાતીઓની હોટ ફેવરિટ પાણીપૂરીની શોધખોળ પાછળ બે સ્ટોરી છે, એક ધાર્મિક છે અને બીજી ઐતિહાસિક!

પાણીપુરીની શોધ દ્રૌપદીએ કરી હતી ? એ પણ સાસુએ ચેલેન્જ આપી પછી, બોલો !
PC, Rajoo Megha

કંગના રાણાવત શું જમે છે ? ખીચડીને ગુવારસિંગનું શાક. ઓ ભાઈ, એ ગમે તે જમતી હોય એમાં આપણને શું લેવા-દેવા ? પણ માનો કે તમને એવી ખબર પડે કે તમારી અને એની ભાવતી વાનગી કે વસ્તુ એ ક જ છે તો મોં પાણીપુરી(Panipuri) ખાતી વખતે થઈ જાય એવડું થઈ જાય કે નહીં? બસ તો આ પાણીપુરી જ આજનો વિષય છે. લવ કે લિયે કુછ ભી કરેગા જેવું પાણીપુરી કે લીયે કુછ ભી કરેગા જેવું ગુજરાતીઓનું કામ છે. એમાંય ગુજરાતી ગૃહિણીઓ તો બાપ રે બાપ, પાણીપુરી વાળો ભૈયાજી જોયો નથીને એની પર હલ્લાબોલ કર્યું નથી.

પાણીપુરીની શોધ કેવી રીતે થઈ ?

જેના માટે ગુજરાતી ગૃહિણીઓ તૂટેલું ભાંગેલું હિન્દી બોલીને ભૈયાજીને પણ ઉંધે રવાડે ચડાવી દે છે એ પાણીપુરીની શોધ કેવી રીતે થઈ ? તો એની પાછળ બે સ્ટોરી માર્કેટમાં ફરે છે.

પાણીપુરીની શોધ પાછળની ધાર્મિક સ્ટોરી-1

દ્રૌપદી પરણીને આવી તે વખતે પાંડવોને બહાર જવાનું હતું. એટલે ગાડી રીપેર કરાવવા માટે નહીં, ભાઈ, એમને અજ્ઞાતવાસમાં જવાનું હતું. એ વખતે સાસુ કુંતિએ દ્રૌપદીને લોટ અને બટાકા કે સબ્જી આપીને કહ્યું કે આ બે વસ્તુમાંથી જ કંઈક એવું બનાવ કે જેનાથી સૌના પેટ ભરાય અને સંતોષ થાય. દ્રૌપદીએ લોટમાંથી પૂરી બનાવી અને એમાં સબ્જી ભરીને આપી એમ પાણીપુરીનું ઓરિજીનલ વર્ઝન શોધાયું એવું ઈન્ટરનેટ કહે છે, હું નથી કહેતો. એવું પણ બને કે કોઈએ આ સ્ટોરી ચલાવી હોય અને પછી એમાંથી કોપી થતાં થતાં અહીં સુધી છેલ્લી મસાલા પુરીની જેમ ચાલી આવી હોય.

પાણીપુરીની શોધ પાછળની ઐતિહાસિક સ્ટોરી-2

આ બીજી સ્ટોરી ઐતિહાસિક છે અને એવું કહે છે કે મગધ સામ્રાજ્યમાં કડક પુરી બનતી પણ એમાં શું નખાતું એ કોઈએ શોધ્યું નથી પણ સબ્જી કે એવું જ કંઈક નાખતા હશે, એવું માની લઈએ. એ વખતે બુદ્ધ કે સમ્રાટ અશોકે પાણીપુરી ખાધી હશે કે કેમ એ એક સવાલ ખરો. જોકે ત્યાર પછી ફેરફારો થતાં આજથી 100-125 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશમાં બનતી થઈ અને ત્યાંથી એટલે કે યુપીમાંથી લોકો અલગ અલગ શહેરોમાં જતાં થયા અને ભારતભરમાં આ પાણીપુરી ફેલાઈ.

પાણીપુરી તારા નામ છે હજાર, કયા નામે ખાવી મસાલા પુરી ?
ઘણા લોકોનો અલગ અલગ નામ હોય છે ને ? મૂળ નામ બાબુભાઈ હોય પણ ઘરમાં મુન્નો, બાબુ, બાબુલાલ, બાબુ ગોટી, બાબલો એવા જાતભાતના નામથી લોકો એમને બોલાવતા હોય. એ જ રીતે આ પાણીપુરી પણ બાબુભાઈ જેવી જ છે એમ સમજો. ઉત્તરભારતમાં ગોલગપ્પા, પાનીકે પતાશે કે બતાશે, પૂર્વ અને બંગાળમાં પૂચકા, આસામમાં પુસકા, દક્ષિણ ભારતમાં પાણીપુરી, પશ્ચિમ ભારતમાં ગુપચુપ (આ નામ મને બહુ મઝા પડે છે!, સાલું બધું ગુપચુપ ખાવાનું ?) ઊડિસા અને દક્ષિણ ઝારખંડના લોકો કોઈપણ મીઠાશ કે ફુદિના વગરની પાણીપૂરી પસંદ કરે છે. જ્યારે મહારાષ્ટ્રમાં બનતી પાણીપુરી વધુ મસાલેદાર અને તીખી હોય છે અને તેમાં ફણગાવેલા કઠોળ કે બૂંદી પણ નખાય છે. પાણીપૂરીને દહીં, કાંદા, સેવ સાથે પણ લોકો ઉડાવે છે..તો મહારાષ્ટ્રમાં દહીં બટટા પૂરી, કે સેવ બટાટા પૂરી પણ પ્રચલિત છે.

ગુજરાતીઓને પાણીપુરી આટલી વહાલી કેમ લાગે છે ? એ સિવાયની બીજી ઘણી ચટપટી વાતો હવે પછીના લેખમાં.

આ પણ વાંચો :SURENDRANAGAR : સરકારી બાબુઓને ઓફિસમાં જલસા, મોબાઇલમાં ગેમ રમતો વીડિયો વાયરલ

આ પણ વાંચો :WhatsApp પર આ રીતે મોકલો હાઇ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati