જાણો કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ સંગઠનોએ કઈ રીતે અને કેટલી કરી મદદ?

જાણો કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ સંગઠનોએ કઈ રીતે અને કેટલી કરી મદદ?
હાર્દિક ભટ્ટ | અમદાવાદ,   “આપણી ફેક્ટરીમાં ભલે આગ લાગી હોય પણ અત્યારે લોકોના પેટની અને દુખની આગને ઠારો” આ શબ્દો આણંદમાં પેકેજીંગ કંપની ધરાવતા સત્યેન્દ્ર શાહ અને રોનક શાહના છે. આણંદ નજીક તેમની પેકેજીંગ કંપનીમાં લોક ડાઉન દરમ્યાન આગ લાગી હતી પણ સત્યેન્દ્રભાઈ અને તેમના પુત્ર રોનક શાહ એન્ટરપ્રેન્યોર અંકિત પટેલ સાથે  મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાપહોંચી ગયાં. તેઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખનો ચેક અર્પણ કરી આવ્યાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લોકડાઉન દરમ્યાન એવા અનેક શ્રમજીવીઓ છે જેઓ રોજનું પેટીયું રળી ખાય છે. ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસો.એ તેની ચિંતા કરી. જીડીએમએના પ્રમુખ યોગેશ પરીખ કહે છે કે આશરે 2 હજાર જેટલા લોકો વટવા અને તેની આસપાસના વિસ્તારોમાં ફસાયા છે.  તેથી અમે તાત્કાલિક રોજના 2 હજાર માણસ જમે તેટલું રસોડુ ચાલુ કરી દીધું.  ગુજરાતના મુખ્યમંત્રી ફંડમાં 1 કરોડ 51 લાખ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1 કરોડનું અનુદાન આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હોટેલ ઇન્ડસ્ટ્રીઝે પણ આ લોકડાઉનમાં ખૂબ સરાહનીય કામ કર્યુ. એક પંજાબી રેસ્ટોરન્ટ ચેઈન ધરાવતા જસબીરસિંઘ ભાટીયાએ તો તેમના રેસ્ટોરન્ટમાં જેટલો સામાન પડ્યો છે તેમાથી રોજ જમવાનું બનાવીને પીજીમાં રહેતા યંગસ્ટર્સને નારણપુરામાં આપવાનું શરૂ કરી દીધુ છે. જેથી પીજીમાં રહેતા લોકોને એટલીસ્ટ જમવાની તકલીફ ના પડે. જ્યારે કેટરર્સ એસો. અને ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘે સોલા વિસ્તારમાં રણુજા મંદિરમાં રામ રસોડુ ચાલુ કરી દીધું છે. ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ રાજપુરોહિત જણાવે છે કે આ રસોડામાં રોજના 155 સ્વયંસેવકો કામ કરે છે. મહત્વની વાત એ છે કે અહીં રોજના આશરે 5 હજાર લોકો ભોજન લે છે.

FIA એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના હોદેદારો અજીત શાહ અને પ્રકાશ વરમોરા જણાવે કે તેઓએ અલગ અલગ રાહત ફંડમાં આશરે 5 કરોડનું અનુદાન નોંધાવ્યું છે. મોરબીનો સીરામીક ઉદ્યોગ પણ સખાવતમાં પાછળ નથી. સિરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયા જણાવે છે કે અત્યાર સુધીમાં વિવિધ કંપનીઓએ ભેગા મળીને આશરે અઢી કરોડ રૂપિયા આપ્યા છે અને જરૂર પડ્યે શ્રમિકો તેમજ જરૂરીયાતમંદ લોકોને ફૂડપેકેટ્સ તેમજ અન્ય સુવિધાઓ અપાઈ રહી છે. લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પલ પટેલ જણાવે છે કે ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલ ફેડરેશને પણ ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં 11 લાખનો ફાળો નોંધાવ્યો છે.

વર્તમાન ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ તો સહાય કરી જ છે પણ, પૂર્વ ધારાસભ્યો અને સાંસદો પણ સહાયમાં પાછળ નથી. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતીયાએ પણ અત્યારે જરૂરિયાતમંદોની સેવામાં લાગી ગયાં છે. તેમના મિત્રોની સાથે મળીને તેઓ પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો પહોંચાડી રહ્યાં છે અને જરૂરીયાતમંદોને તેઓ રાશન કિટનું વિતરણ પણ કરાવી રહ્યાં છે.

આ સાથે જ રોજ 500 માણસો જમે તેવું રસોડુ પણ તેમના પુત્ર પ્રથમ અમૃતીયા સાથે મળીને તેઓ ચલાવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં ધંધા રોજગાર બંધ થતાં મોટી અસર પડી છે. ત્યારે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભારતભરમાં ખ્યાતી પામેલાં શ્રેષ્ઠ ગામ પુંસરીના સરપંચ હિમાંશુ પટેલે પણ કરીયાણા અને શાકભાજીની કીટનું વિતરણ કર્યુ હતું.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati