અમેરિકા (United States) માં સોમવારે મોટો ટ્રેન અકસ્માત થયો છે. લોસ એન્જલસથી શિકાગો જતી પેસેન્જર ટ્રેન એમટ્રેક મિઝોરી (Missouri) નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોતના સમાચાર છે. તેમજ 240 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના (Train Accident) સમયે 243 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. બચાવ ટીમો અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પેસેન્જર ટ્રેનનું સંચાલન કરતી કંપની એમટ્રેકે માહિતી આપી છે કે 27 જૂને સવારે 12.42 વાગ્યે (સ્થાનિક સમય) BNSF ટ્રેક પર જઈ રહેલી સાઉથ વેસ્ટ ચીફ ટ્રેન 4 એક ટ્રક સાથે અથડાયા બાદ મેન્ડન મિઝોરીમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. કંપનીએ કહ્યું છે કે દુર્ઘટના સમયે આ ટ્રેન લોસ એન્જલસથી શિકાગો જઈ રહી હતી. તેની 8 બોગી અને 2 લોકોમોટિવ પાટા પરથી ઉતરી ગયા છે. જે ટ્રક સાથે ટ્રેનની ટક્કર થઈ તે ટ્રક રેલવે ક્રોસિંગ પર ફસાઈ ગઈ હતી.
તો સમાચાર એજન્સી પીટીઆઈએ મિસૌરી સ્ટેટ હાઈવે પેટ્રોલને ટાંકીને જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઓછામાં ઓછા 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં બે મુસાફરો અને એક ટ્રક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. જો કે આ અકસ્માતમાં હજુ કેટલા લોકોના મોત થયા છે તે સ્પષ્ટ નથી. દરમિયાન લાઇફલાઇટ ઇગલ બિઝનેસ ડેવલપમેન્ટના ડિરેક્ટર મેટ ડોર્ટીએ સ્થાનિક મીડિયાને માહિતી આપી છે કે, અકસ્માત બાદ સમગ્ર પ્રાંતમાંથી લગભગ 8 મેડિકલ હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યા છે.
It was not immediately clear exactly how many people were hurt, the patrol said, but hospitals reported receiving more than 40 patients from the crash and were expecting more. https://t.co/UcD83ztNDX
— The Associated Press (@AP) June 27, 2022
ડોર્ટીએ કહ્યું છે કે તેઓ એ વાતથી વાકેફ છે કે અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુની શક્યતા ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. સામે આવેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે દુર્ઘટના બાદ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ સીડીની મદદથી પલટી ગયેલા ટ્રેનના કોચ પર ચઢતા પણ જોવા મળ્યા હતા. આ સાથે વીડિયોમાં 6 મેડિકલ હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે ઊભેલા જોવા મળ્યા હતા. તેના દ્વારા જ ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.