
કેટલીકવાર, ચોરી કરતાં પણ વધુ, ચોરીની પદ્ધતિઓ અને ચોરોના કારનામાઓ આપણને આશ્ચર્યચકિત કરે છે. આવી જ એક ઘટના Switzerland માં સામે આવી છે, જ્યાં ચોરોએ દાન પેટી તોડીને પૈસાની ચોરી કરવા માટે એવું કારનામું કર્યું, જેને જાણીને બધા દંગ રહી ગયા.
આ દાન પેટી 2400 મીટરની ઉંચાઈ પર રાખવામાં આવી હતી, જ્યાં સુધી પહોંચવા માટે જોખમી ચઢાણ પાર કરવું પડે છે. આ દાનપેટીમાં માત્ર 500 સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ 50,000 રૂપિયા હોવાનો અંદાજ છે.
Switzerlandનો સૌથી લાંબો સુરક્ષિત ક્લાઇમ્બિંગ રૂટ – લ્યુકરબાડ ગામની ઉપરનો જેમ્મી પાસ – વાયા ફેરાટા તરીકે ઓળખાય છે અને તેને લેવલ 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જે સૌથી મુશ્કેલ છે. તેમાં મુશ્કેલ ચઢાણો, ઢાળવાળી ખડકોથી બનેલી સીડીઓ તેમજ સ્ટીલના સાંકડા કેબલ પરના ગોર્જ્સને પાર કરવાનો હોય છે.
ક્લબે તેના ફેસબુક પેજ પર લખ્યું, ‘આ કેવા લોકો છે? કોઈએ દાનમાં આપેલા નાણાંની ચોરી કરી છે. સ્થળ પર જોતાં દાન પેટી તૂટેલી અને ખાલી મળી આવી હતી. ચોરો માત્ર સારા આરોહકો જ નહોતા, પણ તેમની પાસે દાનપેટી ખોલવા માટેના સાધનો પણ હતા.
મીડિયા અહેવાલ મુજબ, ચોરોએ પૈસા સાથે 2,941 મીટરની ઊંચાઈએ ડોબરહોર્નની ટોચ પર આગળ વધ્યા હતા. ક્લાઈમ્બીંગ ક્લબને ખાતરી નથી કે કેટલા પૈસા ચોરાઈ ગયા છે, પરંતુ ક્લબના સભ્ય અને પર્વત માર્ગદર્શક રિચાર્ડ વર્લેને બીબીસીને જણાવ્યું હતું કે બોક્સમાં ઓછામાં ઓછા 400-500 સ્વિસ ફ્રેંક હોઈ શકે છે.
આ પણ વાંચો : London News : બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી 2000 અમૂલ્ય કલાકૃતિઓનુ ઓનલાઈન માર્કેટમાં શરૂ થયું વેચાણ
સ્વિસ લોકો હાઇકિંગ ટ્રેલ્સ અને પર્વત પર ચડવાના માર્ગોની દેખરેખ માટે જે કામ કરે છે તેમાં તેઓ ખૂબ ગર્વ અનુભવે છે. આવા કામ માટે લોકો પાસેથી દાનની અપેક્ષા રાખવામાં આવે છે અને તે ખુશીથી આપવામાં આવે છે. હાલ ક્લાઇમ્બીંગ ક્લબ આશા રાખે છે કે જેણે પૈસા ચોરી કર્યા છે તે “પસ્તાવો” ભોગવશે. એક અહેવાલ મુજબ એક સ્થાનિક પરોપકારીએ ચોરી કરેલા દાનને બદલવા માટે 500 ફ્રેંક મોકલ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો