Hydropower Projects: સિંધુ જળ સંધિ હેઠળ મોટી જળ યોજનાઓ પર ચર્ચા કરવા પાકિસ્તાનનું (Pakistan) એક પ્રતિનિધિમંડળ સોમવારે દિલ્હીની મુલાકાત લેશે. વડા પ્રધાન શાહબાઝ શરીફ (PM Shehbaz Sharif) દ્વારા મંજૂર કરાયેલા પ્રતિનિધિમંડળમાં પાંચ સભ્યો હશે, જે 30 મેના રોજ દિલ્હી (Delhi) જશે. આ દરમિયાન બંને પક્ષો સિંધુ જળ સમજૂતીના ભાગરૂપે મોટા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થશે. તમને જણાવી દઈએ કે, બેઠક દરમિયાન, ભારત અને પાકિસ્તાની પક્ષો પૂર અંગેની આગોતરી માહિતી અને પરમેનન્ટ ઇન્ડસ કમિશન (PCIW)ના વાર્ષિક અહેવાલ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ બેસિનમાં પાકલ દુલ (1000 મેગાવોટ ક્ષમતા) અને લોઅર કાલનાઈ (48 મેગાવોટ) અને 624 મેગાવોટ કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ પર ચર્ચા થવાની અપેક્ષા છે. પાકિસ્તાનના સિંધુ જળ કમિશનર સૈયદ મેહર અલી શાહે કહ્યું, PCIW સ્તરે સોમવારે યોજાનારી આ 118મી દ્વિપક્ષીય બેઠક હશે. અગાઉ, બંને પક્ષોએ 2-4 માર્ચ (2022) ના રોજ ઇસ્લામાબાદમાં ત્રણ દિવસીય બેઠક કરી હતી.
તેમણે કહ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ જેલમ અને ચિનાબ જેવી પાકિસ્તાની નદીઓ પર બનાવવામાં આવી રહેલા કોઈપણ જળવિદ્યુત પ્રોજેક્ટની મુલાકાત લેશે નહીં. પરંતુ બંને પક્ષો ચોક્કસપણે એવા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરશે જે પાકિસ્તાનના વિઝનમાં સિંધુ જળ સંધિ 1960ની જોગવાઈઓ અનુસાર નથી. નોંધપાત્ર રીતે, 1960ની સિંધુ જળ સંધિ પર તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને વિશ્વ બેંકની (World Bank) મધ્યસ્થીથી હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ બંને દેશોમાં વહેતી સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના ઉપયોગ સાથે સંબંધિત છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વાઘા બોર્ડર થઈને ભારત આવશે. બંને દેશો 30 મે અને 31 મેના રોજ દિલ્હીમાં PCIW સ્તરની વાતચીત કરશે. આ પછી પ્રતિનિધિમંડળ 1 જૂને પાકિસ્તાન પરત ફરશે. પાકિસ્તાનના કમિશનર સૈયદ મેહર અલી શાહના નેતૃત્વમાં પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવી રહ્યું છે. પ્રતિનિધિમંડળમાં પંજાબ સિંચાઈ વિભાગના મુખ્ય ઈજનેર, હવામાન કચેરીના મહાનિર્દેશક, નેશનલ એન્જિનિયરિંગ સર્વિસ પાકિસ્તાન (NESPAK)ના જનરલ મેનેજર અને ઈન્ડિયા ડેસ્ક પર વિદેશ મંત્રાલયના મહાનિર્દેશકનો સમાવેશ થાય છે.