સાઉદી અરેબિયાએ (Saudi Arabia) મહિલાઓને લગતી મોટી જાહેરાત કરીને હજ અને ઉમરાહ (Hajj and Umrah) માટે રાહત આપી છે. સાઉદી અરેબિયાના સામ્રાજ્યએ નિર્ણય લીધો છે કે હજ અને ઉમરાહ માટે મહિલાઓને હવે પુરૂષ વાલી કે મહરમ સાથે જવાની જરૂર નથી. હવેથી મહિલાઓ મેહરમ વગર પણ હજ કે ઉમરા કરી શકશે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ પ્રધાન, તૌફિક બિન ફવઝાન અલ-રબિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયો વિશ્વભરના હજયાત્રીઓને લાગુ પડશે. સાઉદી અરેબિયાએ રિયાધમાં આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. સાઉદી કિંગડમે કહ્યું કે આ નિર્ણયથી મહિલાઓનું જીવન સરળ બનશે.
અગાઉ, મહિલાઓ અને બાળકોને વાલી વિના હજ અને ઉમરાહ કરવાની મંજૂરી આપવામાં આવતી ના હતી. આ માટે તેમને એક માણસની જરૂર હતી, જે સમગ્ર હજ દરમિયાન તેમની સાથે રહે. સાઉદી અરેબિયાનું કિંગડમ માને છે કે આ નિર્ણયથી સામાજિક-આર્થિક સમસ્યાઓથી પીડાતી મહિલાઓ માટે હજ અને ઉમરાહ કરવાનું સરળ બનશે. ઇસ્લામમાં એવું કહેવામાં આવ્યું છે કે, જેઓ તેની ક્ષમતા ધરાવતા હોય અથવા જે તેને પરવડી શકે તેવા લોકો માટે હજ કરવી ફરજિયાત છે.
હજ મંત્રીના પૂર્વ સલાહકાર ઈબ્રાહિમ હુસૈને જણાવ્યું હતું કે, હજ કરવા ઈચ્છતી કેટલીક મહિલાઓ માટે મહરમને સાથે લાવવાનું મુશ્કેલ હોઈ શકે છે અને તેના માટે ખર્ચ વધી શકે છે, પરંતુ આ નિર્ણયથી હવે તેમના માટે શક્ય છે કે હજ અથવા ઉમરાહ કરવું સરળ બનશે. સાઉદી હજ મંત્રાલય વતી એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર પ્રદેશમાં તેમજ પરિવહનના તમામ માધ્યમો અને બંદરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી મહિલાઓને હજ અને ઉમરાહ દરમિયાન વધુ સુરક્ષા મળે.
હજ મંત્રાલયે એ પણ જણાવ્યું કે કાયદામાં સતામણી વિરોધી ફ્રેમવર્ક સહિત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાગુ કરવામાં આવ્યું છે અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ, સરહદી બંદરો, ગ્રાન્ડ મસ્જિદ, પ્રોફેટ મસ્જિદ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર સુરક્ષા કેમેરા લગાવવામાં આવ્યા છે. નોંધપાત્ર રીતે, સાઉદી અરેબિયાને કટ્ટરવાદી દેશ તરીકે વિશ્વમાં ઓળખવામાં આવી રહ્યો છે. જેને સાઉદી કિંગડમ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. મહિલાઓને લઈને ભૂતકાળમાં ઘણા મોટા ઉદારવાદી પગલા લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ માટે ડ્રાઇવિંગ અધિકારો અને મતદાનના અધિકારોનો પણ સમાવેશ થાય છે.